મુખ્ય સામગ્રી પર જાઓ

Video: "દેશ બંધારણથી ચાલશે, શરિયતથી નહીં!" યુપીમાં UCC લાગુ કરવા પર ભાજપ સાંસદનો અખિલેશને સણસણતો જવાબ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો અને રાજકીય નિવેદનબાજી વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને ભાજપના રાજ્યસભા સાંસદ બ્રિજલાલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવના દાવાઓ સામે નિશાન સાધતાં તેમણે સપા સરકારના કાર્યકાળને યાદ અપાવ્યો હતો અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૨૦૨૭ની ચૂંટણી બાદ યુપીમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાના વચનનું જોરદાર સમર્થન કર્યું હતું.

અખિલેશ યાદવ પર નિશાન સાધતાં બ્રિજલાલે જણાવ્યું કે, "અખિલેશ યાદવજી, આ રાજ્ય તમારી પાર્ટીના જંગલરાજ, તુષ્ટિકરણ, રોજેરોજના રમખાણો-હિંસા અને માફિયા રાજને હજુ ભૂલ્યું નથી. તમે મોટા-મોટા માફિયાઓને નેતા બનાવી દીધા હતા અને તમારા શાસન દરમિયાન અહીંથી અપહરણ એક ઉદ્યોગ બની ગયો હતો."

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ યુપીમાં UCC લાગુ કરવાના વચન અંગે બ્રિજલાલે જણાવ્યું કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ ચોક્કસપણે લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, "આજે ગોવા, આસામ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં તે અમલમાં છે, જેમાંથી ત્રણ ભાજપ શાસિત રાજ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ તેને લાગુ કરવામાં આવનાર છે. આ દેશ કોઈના પર્સનલ લો કે શરિયતથી નહીં, પરંતુ ભારતના બંધારણથી ચાલશે. અખિલેશ યાદવ ભલે કહેતા રહે કે UCC લાગુ કરી શકાતો નથી, પરંતુ ઉત્તર પ્રદેશમાં તે ચોક્કસ લાગુ થશે."

આ સમાચાર શેર કરો