Traffic: 70 કિમીનું અંતર કાપવામાં 3 કલાક લાગ્યા, મુંબઈ-અમદાવાદ હાઈવે પર એમ્બ્યુલન્સમાં પીડાથી કણસતી મહિલાનું મૃત્યુ
મુંબઈ-અમદાવાદ હાઇવે પર અવારનવાર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. આ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર અવારનવાર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. આ ટ્રાફિક જામ કેટલો જીવલેણ નીવડી શકે છે તેના ઉદાહરણ રૂપે એક કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સામાં પાલઘરના સફાલે ગામની મહિલા દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. 3 કલાક સુધી જામમાં ફસાતા રસ્તામાં જ મહિલાએ ભારે પીડા અને ચીસો સાથે તડપી તડપીને દમ તોડ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન તેના પતિએ નિસહાય બની પોતાની નજર સામે પત્નીને ચીસો પડતા અને યાતના સાથે મોતને શરણે જતી જોતા બેસી રહેવું પડ્યું હતું.
અઢી કલાકમાં માહિમ પહોચવાનું હતું. તેણે બદલે ત્રણ કલાકમાં અડધું અંતર કાપી માંડ વિરાર પહોચ્યા હતા.
વિગત અનુસાર 31મી જુલાઈના રોજ પલ ઘર નજીક સફાલે ના રહેવાસી 49 વર્ષીય છાયા પૂર્વ તેમના ઘરની નજીક રસ્તાની સફાઈ કરી રહ્યાં હતા. ત્યારે તેમના માથા પર વૃક્ષની ડાળી પડી હતી. તેમને માથામાં, ખભામાં અને પાંસળીમાં ગંભીર ઈજાઓ થઇ હતી. જો કે પાલઘરમાં કોઈ ટ્રોમા સેન્ટર નહિ હોવાથી સ્થાનિક હોસ્પીટલે તેમને તેમના ઘરથી 100 કિમી દુર મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલ લઇ જવા સલાહ આપી હતી.
લગભગ 3 વાગ્યે છાયા પુરવને એનેસ્થેસિયા આપીને એમ્બ્યુલન્સમાં મુંબઈ તરફ રવાના કરવામાં આવ્યા હતા. તેમના પતિ કૌશિક પુરવ પણ તેમની સાથે એમ્બ્યુલન્સમાં હતા. આ 100 કિલોમીટરનું અંતર સામાન્ય રીતે 2.5 થી 3 કલાકમાં કાપી શકાય છે, પરંતુ મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) પર ભયંકર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ મનોર નજીક અટકી ગઈ.
સાંજે 6 વાગ્યા સુધીમાં, એટલે કે ત્રણ કલાકથી વધુ સમય વીતવા છતાં, એમ્બ્યુલન્સ માત્ર અડધું અંતર જ કાપી શકી હતી. આ દરમિયાન એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી, અને છાયા પુરવને અસહ્ય દર્દ થવા લાગ્યું. તેઓ દર્દથી ચીસો પાડી રહ્યા હતા અને જલદી હોસ્પિટલ પહોંચાડવાની વિનંતી કરી રહ્યા હતા. તેમના પતિ કૌશિકે જણાવ્યું કે રસ્તા પરના ખાડાઓ અને ખોટી દિશામાં ચાલતા વાહનોના કારણે ટ્રાફિક જામ વધુ ખરાબ થયો હતો.
પત્નીને અસહ્ય દર્દમાં તડપતી જોઈ
છાયાની હાલત વધુ બગડતાં, એમ્બ્યુલન્સને સાંજે 7 વાગ્યે મીરા રોડની ઓર્બિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જે હિન્દુજા હોસ્પિટલથી લગભગ 30 કિલોમીટર દૂર છે. પરંતુ, ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ છાયા પુરવને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ કૌશિકને જણાવ્યું કે જો તેઓ માત્ર 30 મિનિટ પહેલા હોસ્પિટલ પહોંચી ગયા હોત, તો તેમની પત્નીનો જીવ બચી શક્યો હોત.
કૌશિકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, “મેં ચાર કલાક સુધી મારી પત્નીને અસહ્ય દર્દમાં તડપતી જોઈ. અમે તેમને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ટ્રાફિક જામે અમારા બધા પ્રયાસો નિષ્ફળ કરી દીધા.”
આ ઘટનાએ મુંબઈ-અમદાવાદ હાઈવે (NH-48) પરની ટ્રાફિક સમસ્યા અને પાલઘર જિલ્લામાં અપૂરતી આરોગ્ય સુવિધાઓની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. NH-48 પર ચાલી રહેલું કોન્ક્રીટાઈઝેશનનું કામ, રસ્તાઓની ખરાબ હાલત, અને ખોટી દિશામાં ચાલતા વાહનોને કારણે ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ થઈ છે






