INDIA ગઠબંધનની રેલીમાં જતાં કાર્યકરોના વાહનોથી દિલ્હીની બોર્ડરો પર ટ્રાફિકજામ, ગુરુગ્રામમાં બેરિકેડ તોડી પગપાળા કૂચ

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી INDIA ગઠબંધનની મહારેલીમાં સામેલ થવા હરિયાણાથી જઈ રહેલા કોંગ્રેસી કાર્યકરોના વાહનોના કારણે દિલ્હી-હરિયાણાની અનેક સરહદો પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સોનીપતના કુંડલી બોર્ડરથી લઈને ગુરુગ્રામના સરહોલ બોર્ડર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ટ્રાફિકજામમાં કોંગ્રેસી કાર્યકરોની બસો અને કાર ઉપરાંત ટ્રકો પણ ફસાઈ હતી. જેના કારણે સામાન્ય વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કુંડલી બોર્ડર પર વાહનોની લાંબી કતારો
સોનીપતના દિલ્હી-કુંડલી બોર્ડર પાસે કોંગ્રેસની રેલીમાં સામેલ થવા જઈ રહેલા કાર્યકરોના વાહનોની ભારે ભીડ એકઠી થઈ હતી. પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફ જઈ રહેલા કાર્યકરોના વાહનોને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. કેજીપી અને કેએમપીના ઝીરો પોઇન્ટ પર પણ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારોને કારણે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં હતાં. ટ્રાફિકજામમાં ટ્રકચાલકો પણ ફસાયા હતા.
પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે કેજીપી અને કેએમપી પરથી વાહનોના રૂટ ડાયવર્ટ કર્યા હતા. બીજી તરફ, કુંડલી બોર્ડર પર દિલ્હી તરફ જતાં વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.
ગુરુગ્રામ બોર્ડર પર કોંગ્રેસી કાર્યકરોનો પગપાળા કૂચ
દિલ્હી-ગુરુગ્રામના સરહોલ બોર્ડર પર પણ કોંગ્રેસની રેલીમાં જઈ રહેલા કાર્યકરોના વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા. લાંબા સમય સુધી વાહનો અટવાતાં નારાજ કાર્યકરો ગાડીઓમાંથી નીચે ઉતરી દિલ્હી તરફ પગપાળા જવા લાગ્યા હતા.
ગુરુગ્રામ કોંગ્રેસના શહેરી પ્રમુખ પંકજ ડાવર અને ગ્રામીણ પ્રમુખ વર્ધન યાદવની આગેવાનીમાં કાર્યકરોએ દિલ્હી તરફ કૂચ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ બોર્ડર પર પોલીસના બેરિકેડ તોડી નાખ્યા હતા અને પગપાળા દિલ્હી તરફ આગળ વધ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની રેલીમાં સામેલ થવા માટે કોઈપણ સંજોગોમાં દિલ્હી પહોંચશે.














