'હિન્દી શિક્ષણને પ્રાધાન્ય આપનારા બેરોજગાર રહે છે', DMK સાંસદના નિવેદનથી સર્જાયો વિવાદ
દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના સાંસદ દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ ભ

દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના સાંસદ દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ ભારતના શિક્ષણ મોડલની તુલના કરતું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે જે રાજ્યો માત્ર હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યાં બેરોજગારી અને પલાયન જેવી સમસ્યાઓ વધી રહી છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરી બંનેને સમાન શિક્ષણ પૂરું પાડે છે.
શું કહ્યું દયાનિધિ મારને?
એક કાર્યક્રમને સંબોધતા દયાનિધિ મારને એ રાજ્યોની આકરી ટીકા કરી જે વિદ્યાર્થીઓને માત્ર હિન્દી ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને અંગ્રેજી શિક્ષણને ગૌણ માને છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને ભણતા રોકવામાં આવી રહ્યા છે અને તેમને માત્ર હિન્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, "તમને કહેવામાં આવે છે કે અંગ્રેજી ન ભણો અને જો ભણશો તો બરબાદ થઈ જશો. તમને ગુલામ બનાવીને રાખવામાં આવશે." મારને ઉત્તર ભારતીય રાજ્યોમાંથી દક્ષિણ તરફ લોકોના પલાયન માટે આવી શૈક્ષણિક પદ્ધતિઓને જવાબદાર ગણાવી. તેમણે તર્ક આપ્યો કે તમિલનાડુએ શિક્ષણ પર ભાર મૂક્યો હોવાથી જ તેનો આર્થિક વિકાસ શક્ય બન્યો છે.
તમિલનાડુ મોડલના કર્યા વખાણ
દયાનિધિએ કહ્યું, "આજે, તમામ ટોચની વૈશ્વિક કંપનીઓ શિક્ષિત લોકોના કારણે તમિલનાડુ આવી રહી છે." તેમણે દાવો કર્યો કે શિક્ષણને માત્ર હિન્દી સુધી મર્યાદિત રાખવાથી અન્ય વિસ્તારોમાં બેરોજગારી વધે છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરીઓ બંને માટે શિક્ષણની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે. આના કારણે રાજ્યમાં સાક્ષરતા દર અને મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારી વધી છે.
ભાજપનો પલટવાર, માફીની માંગ
ડીએમકે સાંસદના આ નિવેદન પર ભાજપે આકરો પલટવાર કર્યો છે. ભાજપના નેતા તિરુપતિ નારાયણને કહ્યું, "મને નથી લાગતું કે દયાનિધિ મારનમાં કોઈ કોમન સેન્સ છે. હું તેમના નિવેદનોની સખત નિંદા કરું છું, અને તેમણે ભારતના લોકો, ખાસ કરીને હિન્દી બોલનારાઓ, જેમને તેમણે અભણ અને અસંસ્કારી કહ્યા છે, તેમની માફી માંગવી જોઈએ."
DMKએ કર્યો બચાવ
બીજી તરફ, ડીએમકે નેતા ટી.કે.એસ. એલંગોવને મારનનો બચાવ કરતા કહ્યું, "ઉત્તરમાં મહિલાઓ માટે લડનાર કોઈ નથી." તેમણે ઉમેર્યું કે તમિલનાડુમાં DMK એ શરૂઆતથી જ મહિલાઓને શિક્ષણ, રોજગાર અને સરકારી નોકરીઓમાં અનામત આપીને તેમના અધિકારો માટે કામ કર્યું છે.








