ભારત પાસે મદદ માગનાર આ દેશ હવે પાકિસ્તાન સાથે જોડાણ તરફ, નવા રક્ષા ગઠબંધનમાં જોડાવાની તૈયારી

બાંગ્લાદેશ (Bangladesh) હવે પાકિસ્તાન (Pakistan), સાઉદી અરેબિયા (Saudi Arabia) અને તુર્કિયે સાથેના સંભવિત રક્ષા તથા આર્થિક માળખા તરફ આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશના બે રાજ્ય મંત્રીઓએ સંકેત આપ્યો છે કે દેશ પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આ નવા ગઠબંધનનો ભાગ બનવા અંગે નિર્ણય લઈ શકે છે.
‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ પર ભાર
બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયૂન કબીરે જણાવ્યું કે સરકાર ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ (Bangladesh First) નીતિ અને સંતુલિત વિદેશ નીતિ (Foreign Policy) સાથે આગળ વધી રહી છે. રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કિયે સાથેના કોઈપણ આર્થિક અથવા રક્ષા માળખામાં જોડાવાની શક્યતા અંગે સરકાર સકારાત્મક વલણ ધરાવે છે.
7 ઓગસ્ટે મક્કામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કિયે વચ્ચે એક રક્ષા સમજૂતી થઈ હતી. આ વ્યવસ્થા હેઠળ ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો ગણવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે.
પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવાની તૈયારી
હુમાયૂન કબીરે કહ્યું કે ઢાકા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો (Bilateral Relations) વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેમાં વેપાર (Trade) અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ રક્ષા અથવા આર્થિક ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય બાંગ્લાદેશના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે.
વડાપ્રધાનને રિયાધ આવવાનું આમંત્રણ
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રિયાધ મુલાકાત માટે આમંત્રણ આપ્યું હોવાનું પણ જણાવાયું છે. આ મુલાકાતની તારીખ ઉનાળાની ઋતુ પૂર્ણ થયા બાદ નક્કી થઈ શકે છે.
વિદેશ રાજ્યમંત્રી શમા ઓબૈદે પણ કહ્યું કે કોઈપણ બહુપક્ષીય સંગઠન (Multilateral Organisation) અથવા સમજૂતીમાં જોડાવાનો નિર્ણય બાંગ્લાદેશ અને તેના નાગરિકોના હિત સુરક્ષિત થાય છે કે નહીં તેના આધારે લેવામાં આવશે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
બાંગ્લાદેશની વિદેશ નીતિમાં આ સંભવિત બદલાવ ભારત માટે પણ મહત્વનો બની શકે છે. તાજેતરમાં ડીઝલ સપ્લાય (Diesel Supply) માટે ભારત પાસેથી મદદ માગનાર બાંગ્લાદેશ હવે પાકિસ્તાન અને અન્ય દેશો સાથે રક્ષા-આર્થિક સહયોગ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, બાંગ્લાદેશ હજુ આ ગઠબંધનમાં જોડાવાનો અંતિમ નિર્ણય કર્યો નથી.

