VIDEO: સિક્કિમમાં તીસ્તા બંધ પર બનેલું પાવર સ્ટેશન થયું તબાહ, કેમેરામાં કેદ થઈ ભૂસ્ખલનની ઘટના

પૂર્વ સિક્કિમમાં મંગળવારે ભારે ભૂસ્ખલનને પગલે રાજ્યનું એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ ઘટના પૂર્વ સિક્કિમના સિંગતમના દીપુ દારાની પાસે બાલુતારમાં બની હતી. મંગળવારે સવારે પહાડીનો મોટો ભાગનું ધોવાણ થતાં નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન કાટમાળમાં ફેરવાઈ ગયું.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં નાની મોટી ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. જેના કારણે 510 મેગાવોટ પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરી જોખમમાં મુકાઈ છે.
નજીકની ટેકરી પરથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિડિયો પર કેપ્ચર કરાયેલા ભૂસ્ખલનમાં મોટા પથ્થરો અને કાટમાળ પાવરહાઉસ તરફ ઝડપથી પડતા દેખાતા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે 7:00 વાગ્યાની આસપાસ જે ભૂસ્ખલન થયું તે સંભવતઃ NHPC તિસ્તા સ્ટેજ વી સુરંગના કારણે થયું હતું. આ ભૂસ્ખલનથી 17થી 20 જેટલા ઘરોને પણ નુકસાન થયું છે. 5થી 6 પરિવારોને સલામતી માટે NHPC ક્વાર્ટર્સમાં જવાની ફરજ પડી હતી. રહેણાંકના નુકસાન ઉપરાંત પાવર પ્લાન્ટ્સને પણ મોટું નુકસાન થયું છે.
ગત વર્ષે એટલે કે અગાઉ ઓક્ટોબર 2023માં સિક્કિમમાં વાદળ ફાટતા સ્ટેજ 5 ડેમ નિષ્ક્રિય થયો હતો. વાદળો ફાટતા સિક્કિમના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, ચુંગથાંગ ખાતે તિસ્તા ડેમના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા.

