Video: દિવાળી બાદ દિલ્હીમાં વધ્યો ઝેરી સ્મોગનો સામ્રાજ્ય

દિવાળી બાદ દિલ્હીમાં વધ્યો ઝેરી સ્મોગનો સામ્રાજ્ય
ફટાકડાના ધુમાડાથી સમગ્ર રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઈ!
આનંદ વિહારથી ઓખલા સુધી પ્રદૂષણનો વધ્યો પ્રકોપ
દેશભરમાં દિવાળીનો ઉત્સાહ અને રોશનીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ ચૂક્યો છે, પરંતુ તેની બીજી બાજુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહી છે. દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફોડેલા ફટાકડા અને બદલાતા હવામાનના પરિબળોને કારણે દિલ્હીની હવાની ગુણવત્તામાં તીવ્ર કડાકો બોલાયો છે. સવારના સમયે દિલ્હીના આકાશમાં અને રસ્તાઓ પર ઝેરી સ્મોગના ગાઢ થર છવાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે વાહનચાલકો અને સામાન્ય જનજીવનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આનંદ વિહાર બસ સ્ટેન્ડ, ઓખલા, ઇન્ડિયા ગેટ, રિંગ રોડ અને આર.કે. પુરમ સેક્ટર-૧૨ જેવા વિસ્તારોમાંથી સામે આવેલા ડ્રોન વિઝ્યુલ્સ અને જમીની દ્રશ્યો સાબિત કરે છે કે સમગ્ર દિલ્હી જાણે કોઈ ગાઢ ધુમ્મસ કે ગેસ ચેમ્બરની અંદર ગરકાવ થઈ ગયું છે. સવારના સવા સાત વાગ્યાના ડ્રોન ફૂટેજમાં રિંગ રોડ પર વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચી જવાથી નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ખારાશ અને આંખોમાં બળતરા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સતાવી રહી છે.
ડ્રોન વિઝ્યુલ્સમાં નજરે પડી દિલ્હી પર છવાયેલી ધુમ્મસની ઘાટી ચાદર!
રિંગ રોડ અને એઈમ્સ પાસે હવા શુદ્ધ કરવા માટે વોટર સ્પ્રિંકર્સનો કરાયો ઉપયોગ!
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્ય માર્ગો પર પ્રદૂષણની રજકણોને બેઅસર કરવા માટે રિંગ રોડ, વિજ્ઞાન ભવન અને એઈમ્સ આસપાસના વિસ્તારોમાં વોટર સ્પ્રિંકર્સ દ્વારા પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ વિશેષ વાહનો દ્વારા રસ્તાઓ પર પાણી છાંટીને હવામાં ઉડતી ધૂળ અને પ્રદૂષિત કણોને નીચે બેસાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી હવાની ગુણવત્તામાં થોડી રાહત મળી શકે. આ સાથે જ દિવાળીના તહેવાર બાદ શહેરમાં ફેલાયેલા કચરા અને ફટાકડાના અવશેષોને સાફ કરવા માટે વ્યાપક સ્તરે સફાઈ અને ગાર્બેજ ક્લિયરન્સ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી જ રસ્તાઓની સફાઈ કરીને કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ પણ આ માહોલ વચ્ચે પોતાની સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે, જોકે પ્રદૂષણના આ કાયમી કાયમી પ્રશ્ન સામે કાયમી ઉકેલ લાવવાની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. દિલ્હીમાં દિવાળીની ખુશીઓ વચ્ચે પ્રદૂષણનું આ સંકટ તંત્ર અને જનતા બંને માટે એક મોટો પડકાર બનીને ઉભું રહ્યું છે. જ્યાં સુધી હવાની ગુણવત્તા સામાન્ય સ્તરે નહીં આવે ત્યાં સુધી દિલ્હીવાસીઓએ આ ઝેરી સ્મોગના સાયા વચ્ચે જ જીવવું પડશે. તંત્ર દ્વારા લેવાતા રાહતના પગલાં વચ્ચે કુદરતી પવિત્ર હવા અને વરસાદ જ દિલ્હીને આ પ્રદૂષણમાંથી મુક્ત કરાવી શકે તેવી આશા નાગરિકો રાખી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી














