ન્યૂઝક્લિક મની લોન્ડરિંગ કેસ: EDની અરજી પર સુપ્રીમ કોર્ટની નોટિસ

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક (NewsClick) અને તેના એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ (Prabir Purkayastha) પાસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી પર જવાબ માગ્યો છે. EDએ મની લોન્ડરિંગ (Money Laundering) કેસ રદ કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે ન્યૂઝક્લિક અને પુરકાયસ્થને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી હતી.
ત્રણ જજની બેન્ચે પાઠવી નોટિસ
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. બેન્ચે ન્યૂઝક્લિક અને તેના એડિટર-ઇન-ચીફને EDની અરજી અંગે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.
EDએ હાઈકોર્ટના નિર્ણયને આપ્યો પડકાર
EDએ પોતાની અરજીમાં દલીલ કરી છે કે દિલ્હી હાઈકોર્ટે તેની એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) રદ કરતી વખતે PMLA હેઠળના કેસની યોગ્ય તપાસ કરી નહોતી. EDએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ચુકાદો જાહેર કરવામાં પાંચ મહિનાથી વધુનો વિલંબ થયો હતો. સુનાવણી દરમિયાન EDના વકીલે એજન્સી તરફથી હાજર થનારા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ ઉપલબ્ધ ન હોવાથી ચાર અઠવાડિયાનો સમય માગ્યો હતો. જોકે, જસ્ટિસ બાગચીએ EDની અપીલ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે આ અપીલ વિશ્વાસ જગાવતી નથી.
દિલ્હી હાઈકોર્ટે FIR રદ કરી હતી
ઉલ્લેખનીય છે કે 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (EOW) દ્વારા નોંધાયેલી FIRને ચાલુ રાખવાની કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૂળ ગુનાની FIR રદ થયા બાદ તેના આધારે ED દ્વારા નોંધાયેલી ECIR પણ બંધ થવી જોઈએ.
₹9.59 કરોડના વિદેશી ભંડોળનો મામલો
ઓગસ્ટ 2020માં ન્યૂઝક્લિકની પેરેન્ટ કંપની PPK NewsClick Studio Pvt Ltd પર વિદેશી રોકાણના નિયમો (Foreign Investment Rules)ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબ, વર્ષ 2018-19 દરમિયાન અમેરિકાની કંપની Worldwide Media Holdings LLC પાસેથી ₹9.59 કરોડ મેળવવામાં આવ્યા હતા. આ વ્યવહારથી સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો પણ આક્ષેપ હતો. હવે સુપ્રીમ કોર્ટમાં EDની અરજી પર ન્યૂઝક્લિક અને પ્રબીર પુરકાયસ્થનો જવાબ આવ્યા બાદ કેસની આગામી કાર્યવાહી આગળ વધશે.











