Video: કર્ણાટકમાં આશા કાર્યકરોનું ૧૩ દિવસથી ચાલતું આંદોલન સમેટાયું, રાજ્ય સરકારે માનદ વેતનમાં માસિક ₹૨,૦૦૦ના વધારાની કરી સત્તાવાર જાહેરાત

સોર્સ: gstv

કર્ણાટકમાં છેલ્લા ૧૩ દિવસથી ચલાતા આશા કાર્યકરોના આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આશા કાર્યકરોના માનદ વેતનમાં દર મહિને 2 હજાર રૂપિયાનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. 

કર્ણાટકમાં એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ  એટલે કે આશા કાર્યકરોએ ૧૭ નવેમ્બરથી પોતાના હકો માટે આંદોલન શરૂ કર્યું હતું. કાર્યકરોની મુખ્ય માંગ 15 હજાર રૂપિયાના નિશ્ચિત માસિક માનદ વેતન તેમજ બાકી રહેલા પ્રોત્સાહક ભથ્થાં અને અન્ય લાભોની ચૂકવણી કરવાની હતી. જાહેર આરોગ્ય પ્રણાલીમાં તેમની કામગીરીની સરખામણીમાં વર્તમાન વેતન ખૂબ ઓછું હોવાની રજૂઆત સાથે તેઓ આંદોલન પર ઉતર્યા હતા. અગાઉ આશા કાર્યકર યુનિયનોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી યુ. ટી. ખાદર સાથે પણ અનેક તબક્કે બેઠકો કરી હતી, પરંતુ સત્તાવાર આદેશના અભાવે તે વાતચીત નિષ્ફળ રહી હતી. પ્રદેશના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આશા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે કર્ણાટક રાજ્ય સંયુક્ત આશા કાર્યકર્તા સંઘ' દ્વારા સરકાર પાસેથી લેખિત પુષ્ટિ મેળવવાના આગ્રહ સાથે બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યું હતું. આખરે, મુખ્યમંત્રીના સચિવ દ્વારા હસ્તાક્ષરિત એક સત્તાવાર નોંધ જારી કરવામાં આવી, જેમાં વિવિધ વિભાગોને સૂચના અપાઈ છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી રાજ્ય સરકાર તરફથી આશા કાર્યકરોને વધારાના 2 હજાર રૂપિયાનું માનદ વેતન મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.

જાહેરાત

સરકારના આ સત્તાવાર વલણ બાદ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરતાં સંઘના સચિવ ડી. નાગલક્ષ્મીએ જણાવ્યું હતું કે રાજ્યભરના સભ્યો સાથે પરામર્શ કર્યા બાદ કાર્યકરોએ આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અગાઉ લેખિત ખાતરી ન મળી હોવાથી આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું, પરંતુ સવારથી સંબંધિત અધિકારીઓએ આ અંગેનો આદેશ વહેલી તકે જારી કરવાની જાણ કરતાં કાર્યકરો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ, વેતન માળખા અંગે રાજ્ય સરકાર હાલમાં 5 હજાર રૂપિયાનું માસિક માનદ વેતન આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર 2 હજાર રૂપિયાનું યોગદાન આપે છે. આ ઉપરાંત, આશા કાર્યકરોને તેમની કામગીરી આધારિત પ્રોત્સાહક ભથ્થાં તરીકે સરેરાશ 2 હજાર રૂપિયા મળે છે. કેન્દ્ર અને રાજ્ય બંનેએ માનદ વેતનમાં સમાન હિસ્સો આપવો જોઈએ અને કેન્દ્ર સરકારને પણ પોતાનું યોગદાન વધારવા માટે અનુરોધ કર્યો હતો.

સત્તાવાર આદેશની પ્રક્રિયા આગળ વધતા કાર્યકરોએ આંદોલન સમેટી લીધું છે, જેનાથી રાજ્યની જાહેર આરોગ્ય સેવાઓ ફરી રાબેતા મુજબ ધમધમતી થશે. હવે ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી આ વધેલા વેતનનો અમલ થાય અને કેન્દ્ર સરકાર તરફથી પણ યોગદાન વધારવા અંગે શું પ્રતિસાદ મળે છે, તેના પર સૌની નજર રહેશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત