કર્ણાટકમાં બાઇક ટેક્સી પર પ્રતિબંધ નહીં લાગે: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અપીલ ફગાવી, ઓલા-ઉબેર-રેપિડો ચાલું રહેશે

કર્ણાટકમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઇક ટેક્સી સેવાઓ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટક હાઈકોર્ટના બાઇક ટેક્સીને મંજૂરી આપવાના નિર્ણયને પડકારતી રાજ્ય સરકારની અપીલ ફગાવી દીધી છે. આ ચુકાદાથી રાજ્યમાં બાઇક ટેક્સી સેવા પર ફરીથી પ્રતિબંધ મૂકવાની શક્યતાઓનો અંત આવ્યો છે.
હાઈકોર્ટના નિર્ણયને રાજ્ય સરકારે આપ્યો હતો પડકાર
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે કર્ણાટક હાઈકોર્ટે જાન્યુઆરી મહિનામાં બાઇક ટેક્સી પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે રાજ્ય સરકાર બાઇક ટેક્સી માટે નીતિ તૈયાર ન કરે ત્યાં સુધી આ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ઓલા, ઉબેર, રેપિડો સહિત મોટરસાઇકલ માલિકો અને બાઇક ટેક્સી વેલ્ફેર એસોસિએશને પડકાર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સત્તાવાળાઓને મોટરસાઇકલને ટ્રાન્સપોર્ટ વાહન તરીકે નોંધણી કરવા અને બાઇક ટેક્સી તરીકે ચલાવવા માટેની પરમિટ અંગેની અરજીઓ પર વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, કર્ણાટક સરકારે મુસાફરોની સુરક્ષા, વીમા કવરેજ અને પૂરતી સલામતી વ્યવસ્થાના અભાવનો મુદ્દો ઉઠાવી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પાંચ ઓટો અને ટેક્સી ડ્રાઇવર એસોસિએશનોએ પણ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમની દલીલ હતી કે બાઇક ટેક્સી માટે સમાન નિયમો લાગુ ન થતાં પરંપરાગત ટેક્સી અને ઓટો વ્યવસાયને અસર થઈ શકે છે.
નીતિન ગડકરીએ પણ બાઇક ટેક્સીનું સમર્થન કર્યું
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ તાજેતરમાં ખાનગી બાઇક ટેક્સી સેવાઓને મંજૂરી આપવાની હિમાયત કરી હતી. તેમણે કેન્દ્રીય મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સનો ઉલ્લેખ કરીને રાજ્યોને એગ્રીગેટર પ્લેટફોર્મ દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ મોટરસાઇકલનો ઉપયોગ મુસાફરોની અવરજવર માટે કરવાની મંજૂરી આપવા અનુરોધ કર્યો હતો. મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ 2025માં આ ક્ષેત્ર માટે નિયમનકારી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યોને આવા વાહનોના ઉપયોગ અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. જોકે, કેટલાક રાજ્યોમાં આ સેવાઓને લઈને નિયમનકારી અવરોધો યથાવત રહ્યા છે.
હાફ હેલ્મેટ પર પ્રતિબંધ અને ટેક્સીમાં મીટર ફરજિયાત
સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવા સમયે આવ્યો છે, જ્યારે કર્ણાટક સરકાર ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષાને લઈને નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યના પરિવહન મંત્રી બિર્યાથી સુરેશે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટુ-વ્હીલર ચાલકો માટે હાફ હેલ્મેટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકાર હાફ હેલ્મેટના વેચાણકર્તાઓ અને ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે. આ પ્રતિબંધ વર્ષના અંત સુધીમાં લાગુ કરવાની તૈયારી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, ઓલા અને ઉબેર સહિતની તમામ ટેક્સીઓમાં મીટર લગાવવાનું ફરજિયાત બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેક્સી કંપનીઓ મુસાફરો પાસેથી માત્ર સરકાર દ્વારા નિર્ધારિત ભાડું જ વસૂલી શકશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
બાઇક ટેક્સી સંચાલકોને રાહત
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કર્ણાટકમાં બાઇક ટેક્સી સેવાઓ ચાલુ રાખવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, વાહનોની નોંધણી, પરમિટ, વીમા અને મુસાફરોની સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું સંચાલકો માટે મહત્વપૂર્ણ રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત બાઇક ટેક્સી સેવાઓ સાથે જોડાયેલા ચાલકો અને મુસાફરોને રાહત મળી છે.














