Video: "પારદર્શિતા હોવી જોઈએ, ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી ન થવી જોઈએ" કર્ણાટકમાં E20 થી વધુ ઈથેનોલ મિશ્રણના આક્ષેપો પર કોંગ્રેસ નેતાનું નિવેદન

કર્ણાટકમાં ઈથેનોલ બ્લેન્ડિંગનું પ્રમાણ E20ની મર્યાદા વટાવી ગયું હોવાના આક્ષેપો વચ્ચે હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે આ મામલે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે ઈથેનોલનું મિશ્રણ સંપૂર્ણ પારદર્શિતા સાથે થવું જોઈએ અને વાહનચાલકો સાથે કોઈપણ પ્રકારની છૂપી છેતરપિંડી ન થવી જોઈએ.
"વાહનોના એન્જિન બગડી રહ્યા છે, ગ્રાહકો પરેશાન"
મીડિયા સાથે વાતચીત કરતા ઉદિત રાજે જણાવ્યું કે, “ઈથેનોલનું મિશ્રણ પૂરી પારદર્શિતાથી કરવું અનિવાર્ય છે. પેટ્રોલ અને ઈથેનોલના બજાર ભાવમાં મોટો તફાવત રહેલો છે, તેથી ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે છેતરપિંડી થવી જોઇએ નહીં. થોડા દિવસો પહેલા જ અનેક ફરિયાદો મળી છે કે વાહનોના એન્જિનમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે અને એન્જિન ફેલ થઈ રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે સરકાર કે ઓઈલ કંપનીઓએ આ બાબતે ગ્રાહકોના હિતનું ધ્યાન રાખવું જોઈએ અને બ્લેન્ડિંગના નામે સામાન્ય નાગરિકોના વાહનોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.







