મુંબઈને ફરી બોમ્બ ધમાકાથી દહેલાવવાની ધમકી: બોમ્બે હાઈકોર્ટને મળ્યો ઈમેલ, બોલિવૂડ શહેનશાહના ઘર બહાર કમાન્ડો તૈનાત!

મુંબઈને ફરી બોમ્બ ધમાકાથી દહેલાવવાની ધમકી: બોમ્બે હાઈકોર્ટને મળ્યો ઈમેલ, બોલિવૂડ શહેનશાહના ઘર બહાર કમાન્ડો તૈનાત!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે. બોમ્બે હાઈકોર્ટને મોકલવામાં આવેલા એક સનસનીખેજ ઈમેલમાં હાઈકોર્ટ પરિસર ઉપરાંત બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા ‘જલસા’ સહિત શહેરના અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ ધમકીભર્યા ઈમેલમાં બોમ્બે હાઈકોર્ટ સિવાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), મહાલક્ષ્મી રેસકોર્સ અને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલ મળતાં જ મુંબઈ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્નિફર ડોગ્સ અને સાયબર ક્રાઈમની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.

જાહેરાત

પોલીસે સાવચેતીના ભાગરૂપે બોમ્બે હાઈકોર્ટ અને અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે તેમજ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ સુધી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી.

સાયબર સેલ દ્વારા આ ઈમેલ ક્યાંથી આવ્યો, તેનું IP એડ્રેસ શું છે અને મોકલનાર કોણ છે તેની ટેકનિકલ તપાસ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને મહારાષ્ટ્રની વિવિધ અદાલતો તેમજ સંસ્થાઓને આવા અજાણ્યા સ્ત્રોતો તરફથી હોક્સ (અફવા) મેઈલ મોકલવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત