રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર: ખુદ સીએમ ભજનલાલ શર્માના ગઢ ભરતપુરમાં ભાજપની કારમી હાર, કોંગ્રેસે પલટી બાજી!

રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર: ખુદ સીએમ ભજનલાલ શર્માના ગઢ ભરતપુરમાં ભાજપની કારમી હાર, કોંગ્રેસે પલટી બાજી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજસ્થાન પંચાયત ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને સૌથી મોટો અને ચોંકાવનારો ઝટકો ખુદ મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં લાગ્યો છે. ભરતપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થયું છે અને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાધારી પક્ષ પાસેથી સત્તા આંચકી લીધી છે.

જિલ્લા પરિષદમાં કોંગ્રેસનો દબદબો

જાહેરાત

ભરતપુર જિલ્લા પરિષદની કુલ 31 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 21 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જ્યારે ભાજપને માત્ર 9 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. આ ઉપરાંત, એક બેઠક હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) ના ફાળે ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉની જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બનવાનું ગૌરવ મેળવ્યું હતું અને કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે જનતાએ સમીકરણો બદલી નાખ્યા છે.

પંચાયત સમિતિમાં અપક્ષ ઉમેદવારો બન્યા કિંગમેકર

બીજી તરફ, ભરતપુરની વિવિધ પંચાયત સમિતિઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં જીત મેળવીને ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોનું ગણિત બગાડી નાખ્યું છે:

નદબઈ: અહીં અપક્ષોનો દબદબો રહ્યો છે, જ્યાં અપક્ષ ઉમેદવારોએ 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ભાજપને 6 અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે.
ભુસાવર: અહીં કોંગ્રેસે 11 અને અપક્ષોએ 7 બેઠકો જીતી છે, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 1 જ બેઠક આવી છે.
સેવર: અહીં અપક્ષોએ 10, ભાજપે 7 અને કોંગ્રેસે 4 બેઠકો પર કબજો જમાવ્યો છે.
વૈર: અહીં કોંગ્રેસે 9, અપક્ષોએ 6 અને ભાજપે 3 બેઠકો જીતી છે.
રૂપવાસ: અહીં ભાજપ અને કોંગ્રેસ બંનેને 7-7 બેઠકો મળી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 9 બેઠકો જીતીને બાજી મારી છે.

મુખ્યમંત્રીના પોતાના જ જિલ્લામાં ભાજપના આ નબળા પ્રદર્શનને કારણે સ્થાનિક સંગઠન અને રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત