Video: કર્ણાટકમાં પેટ્રોલમાં વધુ એથનોલ હોવાના દાવાને કેન્દ્ર સરકારે ફગાવ્યા

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલમાં નક્કી મર્યાદા કરતા વધુ ઈથેનોલ હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. એવા અહેવાલો હતા કે કેટલાક પંપો પર 26 થી 31 ટકા સુધી એથનોલ મિશ્રિત છે. જોકે, હવે કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશવ્યાપી ગુણવત્તા તપાસ અભિયાન હેઠળ કર્ણાટકમાંથી લેવાયેલા તમામ 56 સેમ્પલ નિર્ધારિત માપદંડ પર સંપૂર્ણપણે સાચા સાબિત થયા છે. આ તમામ સેમ્પલોમાં એથનોલની માત્રા 19 થી 20 ટકાની યોગ્ય મર્યાદામાં જ જોવા મળી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 893 સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે તમામ ગુણવત્તાની કસોટીમાં પાસ થયા છે. સરકારે આ સ્પષ્ટતા કરીને ગ્રાહકોમાં ફેલાયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.








