UP Madarsa Act ગેરબંધારણીય નથી! હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટેઃ 17 લાખ વિદ્યાર્થીઓને રાહત
UP Madarsa Act: સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કરતા હાઈકોર્ટના આદેશ પર સ

UP Madarsa Act: સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કરતા હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકાર અને અન્ય પક્ષકારોને આ એક્ટ અંગે નોટિસ પાઠવી છે. આ કેસની જુલાઈના બીજા સપ્તાહથી સુનાવણી શરૂ થશે. હાઈકોર્ટે સરકારી અનુદાન પર મદરેસા ચલાવવી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ ગણાવી હતી. રાજ્ય સરકારને મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં દાખલ કરવા માટે કહેવાયું હતું.
સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારે કહ્યું કે, તેમણે હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કર્યો છે. મદરેસા ચલાવવાને લીધે સરકારને વાર્ષિક 1096 કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હતો. મદરેસાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ અરજદારોએ દલીલ કરી હતી કે આ આદેશથી 17 લાખ વિદ્યાર્થીઓ અને 10 હજાર શિક્ષકોને અસર થશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદરેસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મદરેસા શિક્ષણને નિયમિત કરવાનો છે. આને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો વિરુદ્ધ ના કહી શકાય. આ આદેશનો અર્થ એ છે કે હાલમાં યુપીમાં મદરેસા ચાલુ રહેશે. જણાવી દઈએ કે, મદરેસા સંચાલકોએ 22 માર્ચે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે યુપી સરકાર અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરનારાઓને 31 મે સુધીમાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા પક્ષકારો 30 જૂન સુધી તેમનો જવાબ રજૂ કરશે. જુલાઈના બીજા અઠવાડિયામાં આ મામલે આગળની સુનાવણી કરવામાં આવશે.
યુપી મદરેસા બોર્ડ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, હાઈકોર્ટને આ એક્ટ રદ કરવાનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટના આ નિર્ણયને પગલે રાજ્યમાં ચાલતા લગભગ 25,000 મદરેસામાં અભ્યાસ કરતા 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. 2018માં યુપી સરકારના આદેશ અનુસાર આ મદરેસાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ, ગણિત જેવા વિષયો ભણાવવામાં આવે છે. મદરેસાઓ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે, મદરેસામાં કુરાન એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે, ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક વિષયો બે અલગ અલગ મુદ્દા છે. એટલે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઈએ.
યુપીમાં કેટલી મદરેસા છે?
જણાવી દઈએ કે, એક રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં કુલ 25,000 મદરેસાઓ છે, જેમાં 17 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, 22 માર્ચે યુપી હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. એ પછી યુપીના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ ગુરુવારે આ આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો.






