"સપા એટલે યુપી માટે અભિશાપ!" ગોંડાની ધરતી પરથી CM યોગી આદિત્યનાથનો અખિલેશ યાદવ પર આકરો પ્રહાર!

"સપા એટલે યુપી માટે અભિશાપ!" ગોંડાની ધરતી પરથી CM યોગી આદિત્યનાથનો અખિલેશ યાદવ પર આકરો પ્રહાર!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી (સપા) પર આકરા પ્રહારો કરતા તેને રાજ્ય માટે ‘અભિશાપ’ ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં જ્યારે પણ સપા સત્તામાં આવી છે ત્યારે રાજ્યમાં માત્ર અરાજકતા અને અવ્યવસ્થાને જ પ્રોત્સાહન મળ્યું છે. મુખ્યમંત્રી સોમવારે ગોંડા ખાતે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે ₹520 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા 69 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

સપા શાસનમાં સૌથી મોટું અનાજ કૌભાંડ થયું હોવાનો આરોપ

જાહેરાત

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના શાસનકાળ દરમિયાન ગોંડામાં સૌથી મોટું અનાજ કૌભાંડ (ખાદ્યાન્ન કૌભાંડ) આચરવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશ માટે અભિશાપ છે. આ પક્ષ જ્યારે પણ સત્તામાં આવ્યો ત્યારે સમગ્ર રાજ્યમાં અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો."

વિકાસ માત્ર 'સૈફઈ' સુધી જ સીમિત રહેતો હતો

અગાઉની સરકારો પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગાવતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, પહેલાં વિકાસ કાર્યો માત્ર પસંદગીના વિસ્તારો પૂરતા મર્યાદિત રહેતા હતા. સપાના સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ 'સૈફઈ' જેવા સ્થળોને જ પ્રાથમિકતા મળતી હતી. તેની સામે આજે રાજ્યના તમામ 75 જિલ્લા, 350 તાલુકા, 825 વિકાસ બ્લોક અને 762 શહેરી વિસ્તારોમાં કોઈ પણ ભેદભાવ વિના ઝડપથી વિકાસ કામો જમીન પર ઉતારવામાં આવી રહ્યા છે.

દરેક જિલ્લાને સમાન હક અને સુવિધા

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, હવે વીજળી પુરવઠો માત્ર રામપુર કે સૈફઈ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ગોંડા, બહરાઇચ અને બલરામપુર જેવા સરહદી જિલ્લાઓને પણ અવિરત વીજળી મળી રહી છે. ભાજપ સરકાર ગરીબોને મફત રાશન અને અન્ય જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે. આ ઉપરાંત અગાઉ ગોરખપુરના એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સપાએ પોતાના ચાર વખતના શાસનમાં રાજ્યમાં 1500 જેટલા રમખાણો કરાવ્યા હતા.

ભાજપ ‘આસ્થા’નું અને વિપક્ષ ‘અપરાધ’નું પ્રતીક

ભાજપ અને વિપક્ષ વચ્ચેનો તફાવત સમજાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપનો સાચો અર્થ ‘આસ્થા’ છે. ભાજપ પ્રજાની આસ્થાનું સન્માન કરે છે અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ હંમેશાં ગુનાખોરી, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના પ્રતીક બનીને રહ્યાં છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત