મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગરીબોના અનાજમાં કટકી?: ગોમતીપુરમાં સસ્તા અનાજની દુકાનમાં ચોરી પકડાઈ, એટલે હવે માલ પાછો મૂકવાની નોબત!

સોર્સ: gstv

અમદાવાદના ગોમતીપુરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન નજીક મહેબૂબનગર, સેન્ટ જોસેફ હાઈસ્કૂલની સામે, રાજપુર તોલનાકા ખાતે આવેલી શ્રમજીવી ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડની સસ્તા અનાજની દુકાનમાં ગરીબ લાભાર્થીઓને અનાજના વિતરણને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સરકારી અનાજના જથ્થામાંથી લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ છે. આ મુદ્દે સ્થાનિક અને જાગૃત લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી. 

ગરીબોના હિસ્સાના અનાજમાં કટકીના આક્ષેપ!

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દુકાનના સંચાલક અને એક ખાનગી વ્યક્તિની ભૂમિકા અંગે સવાલો ઊઠી રહ્યા છે. આક્ષેપ છે કે, કેટલાક લાભાર્થીઓને મળવાપાત્ર અનાજમાંથી અંદાજે 2થી 5 કિલો ઓછું અનાજ આપવામાં આવે છે. અનાજનો જથ્થો ઓછો આવ્યો હોવાનું કહીને લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર તપાસ અને સ્વતંત્ર પુષ્ટિ થવી જરૂરી છે.

વીડિયો વાયરલ થતાં વિતરણ વ્યવસ્થા સામે સવાલ

સરકારી અનાજ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપવા માટે આપવામાં આવે છે. ત્યારે જો કોઈ લાભાર્થીને નિયમ મુજબ મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ મળતું હોય તો તે માત્ર વિતરણ વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ ગરીબોના અધિકાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. સ્થાનિકો દ્વારા વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવતાં અનેક સવાલો ઉભા થયા છે.

પુરવઠા વિભાગ તપાસ કરશે? સ્થાનિકોની માગ

સ્થાનિકોની માગ છે કે, પુરવઠા વિભાગે દુકાનના સરકારી અનાજના જથ્થા, આવક-જાવકના રેકોર્ડ, વિતરણ રજિસ્ટર, ઈ-પીઓએસ વ્યવહાર અને લાભાર્થીઓને આપવામાં આવેલા જથ્થાની ચકાસણી કરવી જોઈએ. જો તપાસમાં અનિયમિતતા કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે.

ગરીબોના હકનું અનાજ પૂરું મળે એ જવાબદારી કોની?

હવે સવાલ એ છે કે, લાભાર્થીઓને મળવાપાત્ર અનાજ ખરેખર નિયમ મુજબ મળી રહ્યું છે કે નહીં? જો અનાજના જથ્થામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? ગરીબોના હકનું અનાજ ગરીબો સુધી પૂરતા જથ્થામાં પહોંચે અને જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય એ જ આ મામલે સૌથી મહત્ત્વની બાબત છે.

નોંધઃ આ વાયરલ વીડિયોની જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી. 

આ સમાચાર શેર કરો