પુત્રને ડોક્ટર બનાવવા જમીન વેચીને રશિયા મોકલ્યો, પહેલા ગુમ અને હવે મોતના સમાચારથી ભાંગી પડ્યા માતાપિતા
રશિયાના ઉફામાં 19 દિવસથી ગુમ અલવર જિલ્લાના લક્ષ્મણગઢના કફનવાડાનો રહેવાસી MBBS વિદ્યાર્થી અજિત ચૌધર

રશિયાના ઉફામાં 19 દિવસથી ગુમ અલવર જિલ્લાના લક્ષ્મણગઢના કફનવાડાનો રહેવાસી MBBS વિદ્યાર્થી અજિત ચૌધરીની લાશ વ્હાઈટ રિવરના ડેમમાંથી મળી આવી છે. અજિત ચૌધરીના પરિવારને ગુરુવારે બપોરે રશિયાથી આ સમાચાર મળતા હોબાળો મચ્યો છે. અજિતના યુનિવર્સિટીના સહપાઠીઓએ તેના મૃતદેહ મળવાની પુષ્ટિ કરી. રૂપ સિંહ ચૌધરીના પુત્ર અજિત ચૌધરીએ રશિયાના ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરતો હતો. તે ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તેને ભણાવવા પરિવારે ત્રણ એકર જમીન વેચીને રશિયા મોકલ્યો હતો.
તેની કોલેજની નજીક નદી વહે છે. જેમાં ઓક્ટોબર મહિનામાં પાણીનું સ્તર વધારે હોય છે. અજિત 19 ઓક્ટોબરે ગુમ થયો હતો. 20 ઓક્ટોબરે નદી કિનારેથી તેના કપડાં મળી આવ્યા હતા. તેની સતત શોધખોળ કરી પરંતુ કોઈ માહિતી ના મળી. પરિવારને તેના પાછા ફરવાની આશા હતી પરંતુ હવે તેનો મૃતદેહ મળ્યો હતો.
થોડા દિવસો પહેલા પરિવારે દિલ્હીમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ સાથે મુલાકાત કરી હતી. મંત્રીએ રશિયન દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરી હતી. છતાં અજિતનો કોઈ પત્તો લાગ્યો ન હતો.હવે મૃતદેહ મળતાં પરિવારને જાણ કરાઈ છે. પુત્રના મોતના સમાચાર મળતાં પરિવાર ભાંગી ગયો છે.
મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ
અલવર સરસ ડેરીના ચેરમેન નીતિન સાંગવાને કહ્યું કે, દૂતાવાસ દ્વારા માહિતી મળી હતી કે અજિત ચૌધરીની લાશ મળી આવી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા લાશની ઓળખ કરવામાં આવી છે. મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. ત્યાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મૃતદેહને ભારત પરત લાવવામાં બે દિવસ લાગી શકે છે. અજિત ચૌધરીના પરિવાર પાસે 20 વિઘા જમીન છે. તેમણે અજિતને રશિયામાં અભ્યાસ માટે મોકલવા 3 વીઘા જમીન વેચી દીધી હતી.






