'મોદી ત્રીજી વખત PM બનશે તો મુંડન કરાવીશ', : AAP ઉમેદવાર
એકતરફ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે એટલે કે 1લી જૂને પૂર્ણ થઈ ગયું છે

એકતરફ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે એટલે કે 1લી જૂને પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ મતદાન સમાપ્ત થતા જ એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે મોદી સરકારની ત્રીજી વખત સરકાર બની રહી છે. દિલ્હીની વાત કરીએ તો અહીં ભાજપ ક્લીન સ્વીપ કરી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નવી દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર સોમનાથ ભારતીએ દાવો કર્યો છે કે, જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો મુંડન કરાવશે. 4 જૂને તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.
સોમનાથ ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'જો મિસ્ટર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા તો હું માથું મુંડાવીશ. મારા આ શબ્દો લખીને રાખજો! દિલ્હીમાં 'ઈન્ડિયા' ગઠબંધન તમામ સાત બેઠકો જીતશે. આપણે બધાએ 4 જૂને પરિણામોની રાહ જોવી પડશે. જનતાએ ભાજપ વિરુદ્ધ જબરજસ્ત મતદાન કર્યું છે.'
સોમનાથ ભારતી નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે
તમને જણાવી દઈએ કે સોમનાથ ભારતી નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજ સાથે છે, જેઓ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી છે. ભાજપે તેમને પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં ઉતાર્યા છે.
દિલ્હીમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન નિષ્ફળ નિવડશે!
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નિષ્ફળ જણાઈ રહ્યું છે. ભાજપ અહીં તમામ સાત બેઠકો જીતી શકે છે. ઈન્ડિયા ટુડે - એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ આ વખતે દિલ્હીમાં એક બેઠક ગુમાવી શકે છે. એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં ભાજપને 54% વોટ મળી શકે છે જ્યારે વિપક્ષી ગઠબંધનને 44% વોટ મળી રહ્યા છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી (2014 અને 2019), ભાજપે તમામ સાત બેઠકો જીતી હતી. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. AAPએ 4 અને કોંગ્રેસે 3 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.








