વિધાનસભા ચૂંટણી પહેલા કેશ વાનમાંથી ઝડપાઇ સાડા છ ટન ચાંદીની ઈંટો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમો અને પોલીસ નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આચારસંહિતા લાગુ થયા બાદ 8 નવેમ્બર સુધી 280 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિધાનસભા મતવિસ્તારોમાં વાહનોની તપાસ કરીને પોલીસ દ્વારા કિંમતી વસ્તુઓ અને રોકડ જપ્ત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા પુણે શહેરમાં પોલીસે એક વાન પકડી હતી. તેમાં સોના-ચાંદીના દાગીના અને કીમતી ચીજવસ્તુઓ હતી. જે બાદ હવે પોલીસે મુંબઈમાં ચાંદીની ઈંટો ભરેલી વાન પકડી છે. વિક્રોલી પોલીસ અને ચૂંટણી પંચની ટીમ દ્વારા જપ્ત કરાયેલી કેશ વાનમાંથી ચાંદીની ઈંટો મળી આવી છે. રસપ્રદ વાત એ છે કે આ ઈંટોનું વજન કુલ સાડા છ ટન છે.
કરોડોની કિંમતની ચાંદીની ઈંટો
વાનમાં કરોડોની કિંમતની ચાંદીની ઈંટો કથિત રીતે બ્રિન્ક્સ કંપનીના વાહનમાંથી સ્ટોરેજ માટે મુલુંડના એક વેરહાઉસમાં લઈ જવામાં આવી રહી હતી. પોલીસને મળેલી આ ઈંટો સરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે તેની વધુ તપાસ ચૂંટણી પંચ, આવકવેરા અને પોલીસ કરી રહી છે. દરમિયાન પોલીસ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વાહનો અને ગેરકાયદેસર ટ્રાફિક પર ચાંપતી નજર રાખી રહી છે. નાણાની ગેરકાયદે હેરફેર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાલઘરમાં ત્રણ કરોડની રોકડ જપ્ત
આ દરમિયાન પોલીસે શનિવારે પાલઘરમાં પણ મોટી કાર્યવાહી કરી હતી. પાલઘરમાં એક વાહનમાંથી 3 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાલઘરના વાડા પાલી રોડથી વિક્રમગઢ તરફ જઈ રહેલી એક કાર પર પોલીસને શંકા ગઈ હતી. આ પછી કારને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકા વધી જતાં કારને તપાસ માટે વાડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 3 કરોડ 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મુંબઈમાં પણ 2 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ સાથે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એલટી માર્ગ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે મોટી રકમની રોકડ લઈ જઈ રહ્યા છે. આ પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શહેરના કાલબાદેવીના ભુલેશ્વર માર્કેટમાંથી શંકાના આધારે 12 લોકોની ધરપકડ કરી.






