શિવકુમાર સમર્થક ધારાસભ્યોના દિલ્હીમાં ધામા, CM બદલવાની માંગ કરતાં હાઈકમાન્ડ પર વધ્યું દબાણ
કર્ણાટકના રાજકારણમાં બધુ બરાબર નથી. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ઝઘડો હવે ખુ

કર્ણાટકના રાજકારણમાં બધુ બરાબર નથી. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ઝઘડો હવે ખુલીને બહાર આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના સમર્થક દસ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જેના કારણે રાજ્યમાં સત્તા વહેંચણી ફોર્મ્યુલા લાગુ કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે.
મુખ્યમંત્રી પદના રોટેશનની માંગણી
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા છે. જે બાદ ફરી એકવાર મુખ્યમંત્રી પદના રોટેશનની માંગણી સામે આવી છે. ડીકે શિવકુમારના નજીકના માનવામાં આવતા તમામ ધારાસભ્યો ગુરુવારે બપોરે દિલ્હી જવા રવાના થયા હતા અને પાર્ટીના ટોચના નેતૃત્વને મળવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીકે શિવકુમારના સમર્થકો દાવો કરી રહ્યા છે કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાના કારણે સત્તા વહેંચણી કરારનું સન્માન કરવા સાથે તેનો તાત્કાલિક અમલ થવો જોઈએ.
અઢી વર્ષ પહેલા આપેલા વચનનું સન્માન કરવામાં આવે
સૂત્રો કહે છે કે શિવકુમાર સમર્થક ધારાસભ્યોની એક જ માંગ છે કે અઢી વર્ષ પહેલા આપેલા વચનનું સન્માન કરવામાં આવે. ઘણા શિવકુમાર સમર્થકો ઇચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને. મંત્રી એન. ચેલુવરાયસ્વામી, ધારાસભ્યો ઇકબાલ હુસૈન, એચ.સી. બાલકૃષ્ણ અને એસ.આર. શ્રીનિવાસ ગુરુવારે દિલ્હી જવા રવાના થયા હતા. તેમણે કહ્યું હતું કે શુક્રવારે વધુ 12 ધારાસભ્યો આવવાના છે.
જણાવી દઈએ કે, 20 મે 2023ના રોજ વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખુબ જ ખેંચતાણ થઈ હતી. તે સમયે કોંગ્રેસ હાઈકમાન્ડે જેમતેમ કરીને શિવકુમારને મનાવ્યા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. તે સમયે કેટલાક એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંને નેતાઓ વચ્ચે રોટેશન ફોર્મ્યુલા પર સમજૂતી થઈ છે, જે હેઠળ અઢી વર્ષ બાદ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે, પરંતુ પાર્ટીએ તેની સત્તાવાર પુષ્ટિ ક્યારેય નથી કરી.
જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ રિપોર્ટ્સનું ખંડન કરાયું છે અને કહ્યું કે, તેઓ પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી બન્યા રહેશે. સૂત્રોના અનુસાર, થોડા દિવસો પહેલા અંદાજિત એક ડઝન MLC દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસ મહાસચિવોને મળ્યા હતા. ગુરૂવારે ચામરાજનગરમાં એક સભાને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ સંકેત આપ્યા હતા કે તેઓ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેશે. તેમણે ભાર આપતા કહ્યું હતું કે, તેમની સ્થિતિ શરૂઆતથી મજબૂત રહી છે અને આગળ પણ મજબૂત રહેશે.








