જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ વીડિયો કોલ કરીને માફિયાને આપી ધમકી! 5 કરોડની ખંડણીની માંગી
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં જેલમાં છે. આમ છતાં તે લોકોને ધમકાવી

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં જેલમાં છે. આમ છતાં તે લોકોને ધમકાવી રહ્યો છે અને ખંડણી માંગી રહ્યો છે. આ માટે તે નિયમિત રીતે વીડિયો કોલ પણ કરી રહ્યો છે. આવો જ એક વીડિયો કોલ ગેરકાયદે કોલ સેન્ટર માફિયા કુણાલ છાબરાને પણ આવ્યો હતો. લોરેન્સે છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે.
જોકે, આ ગત વર્ષનું હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લોરેન્સ છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતો જોવા મળે છે.
કૃણાલ છાબરાને વિશ્વાસ અપાવવા માટે લોરેન્સ બિશ્નોઇએ પહેલા વીડિયો કોલ કર્યો હતો અને કહ્યું કે ઓળખી લીધોને કે હું જ છું. લોરેન્સનો આ કોલ એવા સમયે આવ્યો જ્યારે તે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઇનો સાબરમતી જેલમાંથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા છે. છાબરાએ લોરેન્સ બિશ્નોઇને કહ્યું કે તે દૂબઇમાં છે. તે બાદ લોરેન્સે વોઇસ કોલ કરીને કૃણાલ છાબરા પાસે 5 કરોડની ખંડણી માંગી હતી. કૃણાલે થોડો સમય માંગ્યો હતો પરંતુ લોરેન્સે સમય આપવાનો ઇનકાર કર્યો હતો. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, અમારી દરેક સમયે તારા પર નજર છે, તું કેટલી વખત ટોયલેટ જાય છે, એ પણ અમને ખબર છે.
વધુ એક ઉદ્યોગપતિને ધમકી ભરેલો કોલ કર્યો
દિલ્હીમાં ગેન્ગસ્ટર અને અંડરવર્લ્ડનો ડર જોવા મળી રહ્યો છે. દિલ્હીના મોટાભાગના ઉદ્યોગપતિઓને ધમકી મળી રહી છે. આ ધમકી લોરેન્સ બિશ્નોઇ- ગોલ્ડી બરાર ગેન્ગ તરફથી આપવામાં આવી રહી છે. આ પહેલા ગ્રેટર કૈલાશના સોન્ગ પ્રોડ્યૂસર અમન બત્રાને પણ આવી જ ધમકી ભરેલો કોલ આવ્યો હતો અને 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આટલું જ નહીં પૈસા ના આપવા પર મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી
કોલ કરનારા શખ્સે ખુદને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હોવાનું જણાવ્યું છે. અમન બત્રા પાસે પણ 5 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ અમને દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે લોરેન્સ બિશ્નોઇ?
ક્રાઇમની દુનિયામાં લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારનું નામ લેવામાં આવે છે. પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા લોરેન્સ બિશ્નોઇ પર બે ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે જેમાં એક્સટોર્શન અને મર્ડરના સૌથી વધુ કેસ છે. આ બન્ને ગેન્ગસ્ટરોની ગેન્ગમાં અનેક લોકો સામેલ છે. લોરેન્સ બિશ્નોઇ અત્યારે જેલમાં બંધ છે અને જેલમાં બેસીને પણ તે પોતાની ગેન્ગને કંટ્રોલ કરી રહ્યો છે. પંજાબના જાણીતા સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા કેસમાં પણ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર ગેન્ગનું નામ સામે આવ્યું હતું.








