ભારતે ટેરિફ વોરનો અમેરિકાને મુંહતોડ જવાબ કેમ ના આપ્યો! રાજનાથસિંહે કરી સ્પષ્ટતા
ભારતે અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોર મુદ્દે શાંત પ્રતિક્રિયા આપી હતી. હવે આ મુદ્દે સંરક્ષણમંત્રી રાજનાથ

ભારતે અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોર મુદ્દે શાંત પ્રતિક્રિયા આપી હતી. હવે આ મુદ્દે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેનું કારણ બતાવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવા સાથે રશિયન ક્રૂડ ખરીદવા બદલ ભારત પર દંડ પણ લાદ્યો હતો. ભારતે કહ્યું હતું કે, ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં આવશે નહીં.
મીડિયા રિપોર્ટ મુજબ રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત પાસે વ્યાપક દ્રષ્ટિકોણ હોવાથી કોઈ પ્રતિક્રિયા આપી નથી. મોટા વિચારો અને મોટા હૃદયવાળા લોકો કોઈપણ બાબતમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપતા નથી.
રાજનાથ સિંહની મોરક્કોની પ્રથમ મુલાકાત છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ આફ્રિકામાં પ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે, જે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ભારતના સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી વૈશ્વિક હાજરીને પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલલતિફ લૌધી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
ટેરિફ વોર દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશે ખેડૂતોના હિતમાં કૃષિ પેદાશોની આયાતને મંજૂરી આપવાની માંગનો વિરોધ કર્યો હતો. નવા ભારતે રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતો અને માછીમારોના હિત સાથે સમાધાન કરશે નહીં. અમેરિકા ઇચ્છે છે કે આપણે તેમના કૃષિ ઉત્પાદનો માટે આપણા દરવાજા ખોલીએ.
ચૌહાણે કહ્યું, "તેઓ GM બીજનો ઉપયોગ કરીને હેક્ટર જમીન પર ખેતી કરે છે અને સબસિડી મેળવે છે. આપણા નાના ખેડૂતો આ સ્પર્ધાનો સામનો કરી શકતા નથી. શિવરાજસિંહે કહ્યું કે, રાષ્ટ્રીય હિત સામે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. અમેરિકા વિચારતું હતું કે, આપણે ડરી જઈશું. પરંતુ આ આજનું ભારત છે, જે આત્મવિશ્વાસથી ભરેલું છે.








