મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ડોલરને 'બાય બાય', ભારતમાં પુતિનની જાહેરાતથી ટ્રમ્પને લાગશે ઝટકો

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત યાત્રાના બીજા દિવસે તેમણે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ડોલરને 'બાય બાય', ભારતમાં પુતિનની જાહેરાતથી ટ્રમ્પને લાગશે ઝટકો

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત યાત્રાના બીજા દિવસે તેમણે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી જેમાં વેપાર સહિત અનેક મુદ્દે બંને દેશો વચ્ચે કરાર થયા. બેઠક બાદ પુતિને કહ્યું કે, અમે ભારતને ન્યુક્લિયર રિએક્ટર ટેક્નોલોજીની ઓફર આપી છે.

પુતિનની ભારતને ખાસ ઓફર

વ્લાદિમીર પુતિને કહ્યું, કે ગયા વર્ષે બંને દેશોના વેપારના ટર્નઓવરમાં 12 ટકાનો વધારો થયો. અમે કોઈ પણ અડચણ વિના વધતી ભારતીય અર્થવ્યવસ્થા માટે ઈંધણના શિપમેન્ટ માટે તૈયાર છીએ. અમે કુડનકુલમમાં ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાના પ્રોજેક્ટમાં પણ કામ કરી રહ્યા છીએ.

ટ્રાન્સપોર્ટ માટે નવો કોરિડોર બનાવશે ભારત-રશિયા

પુતિને વધુમાં કહ્યું, કે અમે ભારત સાથે મળીને નવો ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક રૂટ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેમાં રશિયા અને બેલારૂસથી હિન્દ મહાસાગર સુધી ઈન્ટરનેશનલ ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોર સામેલ છે.

ડોલરને ટાટા ટાટા બાય બાય કહેવાની તૈયારી

પુતિને કહ્યું, કે વડાપ્રધાન મોદીએ અમને એ પડકારોની યાદી આપી છે જેના પર બંને સરકારોએ ધ્યાન આપવાની જરૂર છે, અમે તેના પર કામ કરીશું. ભારત અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી મદદ મળશે. ભારત અને રશિયા ધીમે ધીમે દ્વિપક્ષીય પેમેન્ટ માટે નેશનલ કરન્સીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર 100 બિલિયન ડોલરથી પણ વધુ લઈ જવાનો વિચાર કરી રહ્યા છીએ.

ટ્રમ્પનું કેમ વધશે ટેન્શન?

નોંધનીય છે કે હાલ મોટા ભાગે તમામ દેશો અમેરિકન ડોલરમાં જ એક બીજા સાથે વેપાર કરે છે. એવામાં પુતિને નેશનલ કરન્સીથી એટલે ભારતીય રૂપિયા અને રશિયન રૂબલથી વેપારની જાહેરાત કરતાં અમેરિકાને મોટો આંચકો લાગશે. અગાઉ પણ આ જ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણીભર્યા સ્વરમાં ભારત સહિત બ્રિક્સ દેશોને ધમકી આપી હતી કે ડોલરના બદલે બીજી કરન્સીમાં વેપારનું વિચારતા પણ નહીં.

વેપાર અંગે મોટી તૈયારી

આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વેપારને લઈને ભારત સહિત દુનિયાના અનેક દેશો પર દબાણ બનાવી રહ્યા છે. તેમણે ભારત પર ભારેખમ ટેરિફ પણ ઝીંકયો છે. ઘણા પ્રયાસો છતાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકી નથી. એવામાં પુતિને ભારત અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ચર્ચા જગાવી છે.

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત પર દબાણ કરી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે. જોકે પુતિને આજે જાહેરાત કરી છે કે રશિયા કોઈ પણ અડચણ વિના ભારતને ઓઈલ આપતું રહેશે.

આ સમાચાર શેર કરો