મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈસરોનું PSLV રોકેટ વારંવાર ફેલ જતાં તપાસ સમિતિ રચાઈ, આ નિવૃત્ત વૈજ્ઞાનિકોને સોંપી જવાબદારી

ISROના વર્કહોર્સ ગણાતા PSLV રોકેટની વારંવારની નિષ્ફળતાએ સરકાર અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. પહેલી વાર એવું થય

ઈસરોનું PSLV રોકેટ વારંવાર ફેલ જતાં તપાસ સમિતિ રચાઈ, આ નિવૃત્ત વૈજ્ઞાનિકોને સોંપી જવાબદારી

ISROના વર્કહોર્સ ગણાતા PSLV રોકેટની વારંવારની નિષ્ફળતાએ સરકાર અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. પહેલી વાર એવું થયું છે કે, ઇન્ટરનલ ટીમની સાથે સાથે PSLV નિષ્ફળતાઓનું વિશ્લેષણ કરવા માટે ઈસરોમાંથી નિવૃત્ત વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. દેશના બે ટોચના વૈજ્ઞાનિક સોમનાથ અને કે. રાઘવન PSLVની નિષ્ફળતાના દરેક પાસાની તપાસ કરશે. ISROના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે, ટીમ આ નિષ્ફળતાઓ પાછળ કોઈ "સંગઠનાત્મક" કારણો છે કે કેમ તેની પણ તપાસ કરશે.

ઈસરોએ પોતાના ભરોસાપાત્ર પ્રક્ષેપણયાન PSLV માં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ભૂતપૂર્વ ચેરમેન એસ. સોમનાથ અને વડા પ્રધાનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનને એક ચોક્કસ કાર્ય સોંપ્યું છે. ISRO એ આ બે વૈજ્ઞાનિકોની એક સમિતિની રચના કરી છે, જે PSLV નિષ્ફળતાઓના વિવિધ પાસાઓની વ્યવસ્થિત અને તબક્કાવાર તપાસ કરશે.

PSLV લોન્ચપેડમાં થયેલી વિસંગતતાના કારણોની સમીક્ષા

ISRO દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, PSLV લોન્ચપેડમાં થયેલી વિસંગતતાના કારણોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. હકીકતમાં, PSLV ના લગભગ 32 વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર છે જ્યારે બે મિશન સતત નિષ્ફળ ગયા છે. ગયા વર્ષે 18 મે, 2025 ના રોજ, PSLV C-61 એ C-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર સેટેલાઇટ EOS-09 લોન્ચ કર્યું હતું, જેનો હેતુ દેશની સરહદોની દેખરેખ અને દુશ્મનના સ્થાનોનું મેપિંગ કરવાનો હતો. જો કે, લોન્ચ થયાના લગભગ 6 મિનિટ અને 20 સેકન્ડ પછી PSLV તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું. ત્યારબાદ 12 જાન્યુઆરી, 2026 ના રોજ, PSLV C-62 પણ લોન્ચ થયાના લગભગ 6 મિનિટ અને 20 સેકન્ડ પછી તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું, જેના કારણે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ EOS N-1 (અન્વેશ) અને 15 અન્ય ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ન પહોંચાડી શકાયા.

એપ્રિલ પહેલા પોતાનો રિપોર્ટ સોંપશે

ઈસરોના ઉચ્ચ અધિકારીઓના સૂત્રો મુજબ નિષ્ણાતોની સમિતિ એપ્રિલ પહેલા પોતાનો રિપોર્ટ ઈસરો અધ્યક્ષ વી. નારાયણનને સોંપશે. સૂત્રોનું કહેવું છે કે સમિતિ ટેકનિકલી પાસાઓ ઉપરાંત એ પણ તપાસ કરશે કે PSLV નિષ્ફળતામાં સંગઠનાત્મક સમસ્યાઓનીભૂમિકા તો નથીને. સમિતિ રોકેટના વિવિધ ઘટકોના ઉત્પાદન, ખરીદી અને એસેમ્બલી પ્રક્રિયાઓની પણ તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આની અસર અન્ય રોકેટ પર પણ પડી શકે છે, કારણ કે તેમાં ઘણી સમાનતાઓ  છે. ઘણી ખાનગી કંપનીઓ હવે દેશના અવકાશ કાર્યક્રમમાં સામેલ છે. એટલા માટે આ તપાસ  માત્ર એટલા સુધી સિમિત નહીં રહે કે ક્યો પાર્ટ કે ઘટક નિષ્ફળ ગયો અને કોણ જવાબદાર હતું. પરંતુ સમિતિ તે પણ તપાસશે કે શું જવાબદારી પ્રક્રિયા અસ્તિત્વમાં છે અને તેને કેવી રીતે સુધારી શકાય છે.

ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. સોમનાથ રોકેટ સિસ્ટમ્સ સાથે સંકળાયેલા રહ્યા છે અને દેશના સૌથી ભારે રોકેટ, GSLV માર્ક-3 ના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. એક સમયે, GSLV રોકેટ તેની વારંવાર નિષ્ફળતાઓને કારણે "Naughty Boy" તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ સોમનાથને આ જવાબદારી સોંપવામાં આવી હતી, અને આજે, GSLV ઈસરોનું સૌથી વિશ્વસનીય રોકેટ છે. સોમનાથ બધા રોકેટ સ્ટેજ અને લિક્વિડ એન્જિનના વિકાસ માટે જવાબદાર રહ્યા છે. તેમને રોકેટ સિસ્ટમ્સ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ, ઇન્ટિગ્રેશન ડિઝાઇન અને પ્રક્રિયાઓ, મિકેનિઝમ ડિઝાઇન અને પાયરોટેકનિક્સમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમને આ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ છે. 1985માં જ્યારે તેઓ ઈસરોમાં જોડાયા, ત્યારે તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે PSLV વિકાસ પ્રોજેક્ટમાં સામેલ હતા. ISROમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમને ફરી એકવાર PSLV ને પાટા પર લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો