મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકો', કોંગ્રેસ સાશિત કર્ણાટક સરકારના IT મંત્રીએ ગંભીર આરોપો લગાવ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ દેશભરમાં તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે ટપ

'RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકો', કોંગ્રેસ સાશિત કર્ણાટક સરકારના IT મંત્રીએ ગંભીર આરોપો લગાવ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ દેશભરમાં તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે કર્ણાટકના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો છે, જ્યાં કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ સિદ્ધારમૈયા સરકારને પત્ર લખીને RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ગેરબંધારણીય પ્રવૃત્તિઓના આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને સિદ્ધારમૈયા સરકારમાં આઈટી મંત્રી પ્રિયંક ખડગેએ આરએસએસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે RSS પર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો અને યુવાનો તથા બાળકોને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી બનાવવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રિયંક ખડગે પત્રમાં RSSની શાખાઓ અને સભાઓ તેમજ તેના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સરકારી શાળાઓ, સહાયિત શાળાઓ અને રમતના મેદાનોમાં શાખાઓને મંજૂરી ન આપવા તેમજ સરકારી માલિકીના મંદિરોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે RSS તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવે છે અને તેના કાર્યકરો પોલીસની પરવાનગી વિના લાકડીઓ લઈને ચાલે છે.

મુખ્યમંત્રીએ પગલાં લેવા આદેશ આપ્યો

પ્રિયંક ખડગેના પત્રના આધારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યના મુખ્ય સચિવ શાલિની રજનીશને સમગ્ર મામલો સમજવા અને તેના વિશે માહિતી એકત્રિત કર્યા બાદ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

ભાજપનો સખત વિરોધ

ભાજપે પ્રિયંક ખડગેના આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે અને આ પગલાં પાછળ રાજકીય કારણો હોવાનું જણાવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી RSSની વધતી જતી લોકપ્રિયતાને પચાવી શકતી નથી અને તે હવે અસહિષ્ણુ બની ગઈ છે. દેશભરમાં એવી કોઈ ઘટના બની નથી કે જ્યાં RSSના સભ્યોએ કોઈ અનુશાસનહીનતા દાખવી હોય.'

ભાજપે આ પ્રસ્તાવને સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ અને કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મુખ્યમંત્રી પદના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. નોંધનીય છે કે, આ આંતરિક ખેંચતાણ વચ્ચે તાજેતરમાં ડી.કે. શિવકુમારે વિધાનસભામાં આરએસએસની પ્રાર્થનાની બે પંક્તિઓ વાંચીને તેની પ્રશંસા કરી હતી, જેણે કોંગ્રેસમાં આંતરિક મતભેદોને ઉજાગર કર્યાં છે.

આ સમાચાર શેર કરો