મુખ્ય સામગ્રી પર જાઓ

એકતાનગરથી દિલ્હી સુધી રાજકીય જંગ: પીએમ મોદીએ વિપક્ષને 'દિમાગી નક્સલ' ગણાવ્યો

એકતાનગરથી દિલ્હી સુધી રાજકીય જંગ: પીએમ મોદીએ વિપક્ષને 'દિમાગી નક્સલ' ગણાવ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતમાં મોંઘવારી સતત વધી રહી છે. વધુમાં એઆઈ ટેક્નોલોજીના પગલે બેરોજગારી વધી રહી છે. દેશમાં જનતા આવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે તેવા સમયે પ્રજાની પીડા દૂર કરવાની જવાબદારી જેના માથે છે તે સરકાર અને વિપક્ષ બંને અણછાજતા નિવેદનો કરવામાં વ્યસ્ત છે. બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ થતા વેરવિખેર થઈ રહેલા દેશના એકીકરણમાં સિંહફાળો આપનારા સરદાર પટેલની જન્મજયંતીએ વડાપ્રધાન મોદી એકતાનગરમાં વિપક્ષના નેતાઓને 'દિમાગી નક્સલ' ગણાવે છે. બીજીબાજુ વિપક્ષ દિલ્હીમાં 'મોક સંસદ' યોજીને વોટચોરી, 'સર' મુદ્દે સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સાંકેતિક મહાભિયોગની કાર્યવાહીનું 'નાટક' રચ્યું હતું. પ્રજાની પીડા દૂર કરવા માટે નક્કર પગલાં લેવાના બદલે શાસક પક્ષ અને વિપક્ષ બંને માત્ર એકબીજાનો વિરોધ કરવાના દેખાવો કરી રહ્યા છે. દેશના નેતાઓનું આ પ્રકારનું વિદૂષક જેવું વર્તન તેમની માનસિક્તાનું અધ: પતન દર્શાવે છે.

દેશમાંથી નકસલવાદ ખતમ થયો છે પરંતુ દિમાગી નકસલવાદ વધ્યો છે
દેશને નકસલવાદ કરતા દિમાગી નકસલવાદથી વધારે ખતરો છે : મોદી
વિરોધ પક્ષ પોતાના કર્તવ્યો ભૂલી અવરોધ પક્ષ બની ગયો હોવાનો એકતાનગરમાં વડાપ્રધાનના આક્ષેપ

જાહેરાત

રાજપીપળા : દેશને નક્સલવાદ કરતા દિમાગી નક્સલવાદથી વધારે ખતરો છે, દેશમાંથી નક્સલવાદ તો ખતમ થયો છે પરંતુ દિમાગી નકસલવાદ વધ્યો છે, દેશના લોકોને આનાથી સતર્ક રહેવું પડશે, દેશ વિરોધી તત્વો સામે દેશના લોકોએ સામૂહિક સામનો કરી દેશને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાનો છે તેમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૧મી જન્મજયંતિ પ્રસંગે કહ્યું હતું.

એકતાનગર ખાતે નકસલ મુક્ત ભારતની થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ બાદ તેમણે કહ્યું હતું કે આપણું દુર્ભાગ્ય છે કે આ સમયે દેશનો વિપક્ષ પોતાના કર્તવ્યને ભૂલી ગયો છે. એ વિરોધ પક્ષ નહી પરંતુ અવરોધ પક્ષ બની ગયો છે. તેઓ હતાશા અને નિરાશામાં દેશના વિકાસના રસ્તે અડચણો ઊભી કરી રહ્યા છે. વિપક્ષો અડચણ નાખવાની રાજનીતિ કરી રહ્યા છે, તેઓ સંવિધાનની ગરિમા અને તેની મર્યાદાઓને ધૂળમાં મેળવવા કામ કરી રહ્યા છે. આ તાકાતો દેશને વહેંચવાના ષડયંત્રોમાં સતત જોડાયેલી છે.

તેમણે આરોપ લગાવ્યા કે કેટલીક તાકાતો દેશમાં સતત વિભાજન ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે, એક દાયકા કરતા વધુ સમયની રાજકીય હતાશા અને નિરાશા પછી હવે આ લોકો ખુલ્લેઆમ સામે આવી ગયા છે. વિદેશમાં કોણ ભારત વિરોધી તાકાતો સાથે ગુપ્ત રીતે મળી રહ્યું છે, દેશ વિરોધી તત્વો જેવી ભાષા કોણ બોલી રહ્યું છે તેવો પ્રશ્ન તેમણે કરી જણાવ્યું હતું કે આવી તાકાતો સામે આખા દેશે એકસંપ થવાની જરૂર છે. કેટલાક લોકો વિરોધના નામે બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે, દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષ દ્વારા દેશની એકતા તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે, જ્યારે દેશ મોટા સંકટમાંથી પસાર થશે અથવા મોટા નિર્ણયો લેશે ત્યારે અનેક પડકારો અને અવરોધો આવશે પરંતુ ભારત હવે અટકવાનું નથી. દેશની સરહદોને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો અમારો સંકલ્પ છે, તેમણે ઘૂસણખોરી અને વસ્તી વિષયક ફેરફારો રોકવા પર ભાર મૂકી સેક્યુલર સિવિલ કોડ તરફ આગળ વધવાનો પણ સંકલ્પ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે આજે સવારે વડાપ્રધાને સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે પહોંચીને સરદાર વલ્લભભાઇને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાંજે તેમણે એકતા પરેડમાં ભાગ લીધો હતો.નકશા જુઓ

સીઇસી જ્ઞાનેશ કુમારને હટાવવા વિપક્ષનો સાંકેતિક મહાભિયોગ
૨૦૨૪ ની લોકસભા ચૂંટણી ગેરકાયદે વિપક્ષની મોક સંસદમાં રાહુલનો દાવો
ભાજપ વિરોધી મતદારોને યાદીમાંથી હટાવવા માટે જ જ્ઞાનેશ કુમાર દ્વારા 'સર' પ્રક્રિયા હાથ ધરાઇ : ખડગે

નવી દિલ્હી : વોટચોરી, કરોડો મતદારોના નામ રદ કરવા સહિતના આરોપોનો સામનો કરી રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસે મોક મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરી હતી. સંસદમાં જેવી પ્રક્રિયા હાથ ધરાતી હોય છ તેવી આબેહુબ સાંકેતિક પ્રક્રિયા જોવા મળી હતી. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ગેરકાયદે હતી. વિપક્ષની આ મોક સંસદ જોકે હાંસીને પાત્ર પણ બની હતી અને લોકોએ તેની ગંભીરતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસ સ્થાને ગાર્ડનમાં જ્ઞાનેશ કુમાર સામે મોક મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંસદ જેવા દ્રશ્યો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ઇન્ડિયા ગઠબંધનના મોટા ભાગના નેતાઓ જોડાયા હતા. જ્યારે લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર આ મોક સંસદના અધ્યક્ષ બન્યા હતા, તેઓ પોતાની આગવી શૈલીમાં બૈઠ જાઇએ બૈઠ જાઇએ કહેતા જોવા મળ્યા હતા. ત્રણથી ચાર નેતાઓને મીરા કુમારે ટોક્યા હતા અને બેસી જવા કહ્યું હતું.
જ્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોક સંસદને સંબોધતા કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સવાલોના ઘેરામાં છે, ભારતના ૧૩ કરોડથી વધુ મતદારોનું નામ મતદારોની યાદીમાંથી કાપી નાખવામાં આવ્યું. દેશના ૧૫ ટકા મતદારોને હટાવી દેવામાં આવ્યા. તમામ સરકારી સંસ્થાઓ વિપક્ષ માટે બંધ કરી દેવામાં આવી, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ગેરકાયદે હતી. મત કાપનારા દેશના ગુનેગારો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભાજપ વિરોધી મતદારોને યાદીમાંથી હટાવવા માટે એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ મોક સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જે બાદ નેતાઓ દ્વારા આકરા પ્રહારો કરાયા હતા. આ મોક મહાભિયોગ કે મોક સંસદમાં કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), ટીએમસી, ડાબેરી પક્ષો, આરજેડી સહિતના પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. અંતે તમામ નેતાઓેએ મળીને જ્ઞાનેશ કુમાર સામે મોક મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યો હતો. બીજી તરફ મોક સંસદ પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું હતું કે વિપક્ષે રાહુલ ગાંધીને આજીવન માટે મોક વડાપ્રધાન બનાવવા જોઇએ. પ્રેસ કોન્ફરંસ કરીને ભાજપના નેતાએ એસઆઇઆર મુદ્દે કોંગ્રેસે જે દાવા કર્યા હતા તેને જુઠા ગણાવ્યા હતા. જ્ઞાનેશ કુમાર સામે ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામ લીલા મેદાનમાં વિપક્ષ વિશાળ રેલી યોજવા જઇ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત