દિલ્હીના રાજકારણમાં હલચલ તેજ: 30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર અને તે પહેલા PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મોટી બેઠક, શું લેવાશે કોઈ ઐતિહાસિક નિર્ણય?

કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત વચ્ચે રાજધાની દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે શુક્રવારે (27 નવેમ્બર, 2026) બપોરે 1 વાગ્યે નવા વડાપ્રધાન કાર્યાલય સંકુલ 'સેવા તીર્થ' (Seva Teerth) ખાતે કેન્દ્રીય કેબિનેટની અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.
વિશેષ સત્ર પહેલા બેઠકને માનવામાં આવે છે અત્યંત મહત્વની
આવતા અઠવાડિયે શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલા યોજાઈ રહેલી આ કેબિનેટ બેઠકને રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે અને સંસદના આગામી સત્રમાં રજૂ થનારા મહત્વના સરકારી કામકાજ તથા બિલો પર અંતિમ મહોર લગાવવામાં આવે તેવી શક્યતા છે.
30 નવેમ્બરથી શરૂ થશે સંસદનું વિશેષ સત્ર
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે (26 નવેમ્બર) માહિતી આપી હતી કે સરકારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને મહત્વપૂર્ણ સરકારી કામકાજ પાર પાડવા માટે બંને ગૃહોની બેઠક ફરી બોલાવવા વિનંતી કરી છે.
આ કાર્યક્રમ મુજબ, 30 નવેમ્બર, 2026 (સોમવાર) ના રોજ લોકસભાનું વિશેષ સત્ર શરૂ થશે, જ્યારે 2 ડિસેમ્બર, 2026 (બુધવાર) ના રોજ રાજ્યસભાની બેઠક મળશે. જરૂરી કામકાજ પૂર્ણ થયા બાદ 3 ડિસેમ્બરના રોજ બંને ગૃહોની કાર્યવાહી સમાપ્ત થવાની સંભાવના છે.
















