Video: અમરનાથ યાત્રા માર્ગ પહોળો કરવા અંગે ઘમસાણ! PDP-BJP આમને-સામને

સોર્સ: gstv

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શેષનાગ તળાવ પાસે JCB મશીન વડે ખોદકામ થતું જોવા મળ્યું હતું. આ દૃશ્યો સામે આવ્યા બાદ પર્યાવરણવિદો અને સ્થાનિક નેતાઓએ ચિંતા વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે, તેથી ગ્લેશિયર તળાવ પાસે ભારે મશીનોથી કામ કરાવવું જોખમી સાબિત થઈ શકે છે. આ કામગીરીની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?

પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આક્ષેપ કરતાં કહ્યું કે,  શેષનાગ સુધી રસ્તો બનાવવાના પ્રોજેક્ટને 23 જાન્યુઆરી,  2026ના રોજ ઉમર અબ્દુલ્લા કેબિનેટે મંજૂરી આપી હતી. અહીં નિર્માણ કાર્ય કરવાથી પર્યાવરણ અને અમરનાથ યાત્રા બંને પર જોખમ ઊભું થઈ શકે છે.  24 જાન્યુઆરીના રોજ મહબૂબા મુફ્તી પક્ષના નેતાઓ સાથે કામ રોકવા માટે સ્થળ પર જવા નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને ચંદનવાડી પાસે અટકાવી દીધા હતા.

જાહેરાત

બીજી તરફ, મીરવાઈઝ ઉમર ફારૂકે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કામગીરીને તાત્કાલિક અટકાવવાની માંગ કરતાં લખ્યું કે,  પહલગામના ગ્લેશિયર વિસ્તારમાં આવેલા સુંદર શેષનાગ તળાવ પાસે ભારે મશીનો ચાલવાની તસવીરો અને અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. આપણા ગ્લેશિયરો પહેલેથી જ પાછા ખસી રહ્યા છે અને પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા ગ્લેશિયર પૂરે હિમાલયની સંવેદનશીલતાની યાદ અપાવી છે. આપણા પહાડો, ગ્લેશિયરો અને જળાશયોને લૂંટવાની નહીં પણ રક્ષણની જરૂર છે, તેથી આ કામ તાત્કાલિક બંધ થવું જોઈએ.

વિરોધ સામે ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,  શું તમને પરિસ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને ISI તરફથી કોઈ સૂચના મળી છે? શું હિન્દુઓ કાશ્મીરમાં રહી શકતા નથી અને તેમને પોતાના ધાર્મિક સ્થળો સુધી રસ્તો બનાવવાનો અધિકાર નથી?  તેમણે વધુમાં ઉમેર્યું કે,  જ્યારે PDPના શાસનકાળમાં મુઘલ રોડ પર 36 હજાર વૃક્ષો કપાયા, ત્યારે મહબૂબા મુફ્તીને પર્યાવરણની યાદ કેમ ન આવી? અત્યારે બિનજરૂરી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પહલગામના ચંદનવાડીથી અમરનાથ ગુફા તરફ જતાં પરંપરાગત પગદંડી માર્ગ પર શેષનાગ તળાવ આવેલું છે. શ્રદ્ધાળુઓ સરળતાથી યાત્રા કરી શકે તે હેતુથી આ રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ અંગે બોર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,  આ રૂટ પર કોઈ નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો નથી, પરંતુ માત્ર હાલના ટ્રેકને જ પહોળો કરવામાં આવી રહ્યો છે.

શેષનાગ તળાવ ગ્લેશિયરનું પાણી પીગળવાથી બનેલું છે અને તેની આસપાસની જમીન પથ્થરો, કાંકરી અને રેતીની બનેલી હોવાથી નક્કર નથી. નિષ્ણાતોના મતે આવી જગ્યાએ ભારે મશીનો ચલાવવાથી ભૂસ્ખલન કે કુદરતી આફતનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે CAGના એક અહેવાલ મુજબ, 1967 પછી જમ્મુ-કાશ્મીરના કુલ 697 કુદરતી તળાવોમાંથી 315 તળાવો લુપ્ત થઈ ગયા છે અને 203 તળાવોના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત