'ભારત કોઇ પરમાણુ ધમકીથી ડરતું નથી',PM મોદીએ કહ્યું- આપણા વીર જવાનોએ ક્ષણભરમાં પાકિસ્તાનને ઘૂંટણીયે પાડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં કહ્યું કે, પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ આપણી બહેનો, દીકરીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં કહ્યું કે, પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ આપણી બહેનો, દીકરીઓનું સિંદૂર ઉજાડ્યું હતું, આપણે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓને ઠેકાણા ધ્વસ્ત કરી નાખ્યા.PM મોદીએ દેશને સંબોધતા કહ્યું કે, મહારાજા ભોજનું શૌર્ય આપણને રાષ્ટ્ર ગૌરવની રક્ષા માટે ઉભા રહેવાની શીખ આપે છે.
PM મોદીએ કહ્યું, "મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવાનો સંકલ્પ આપે છે. આ વારસાથી પ્રેરણા લઇને આજે દેશ માં ભારતીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ ક્ષણભરમાં જ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધુ. કાલે જ દેશ અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકીએ રડી રડીને પોતાની સ્થિતિ વર્ણવી હતી."
પાકિસ્તાનની પરમાણુ ધમકી પર PM મોદીએ આપ્યો જવાબ
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, "આ નવું ભારત છે, આ કોઇ પણ પરમાણુ ધમકીથી ડરતું નથી. આ નવું ભારત છે, ઘરમાં ઘુસીને મારે છે. આજે 17 સપ્ટેમ્બરે એક ઐતિહાસિક પ્રસંગ છે. આજના દિવસે જ દેશે સરદાર પટેલની ઇચ્છા શક્તિનું ઉદાહરણ જોયું હતું. ભારતીય સેનાએ હૈદરાબાદને અનેક અત્યાચારોથી મુક્ત કરાવી અધિકારોની રક્ષા કરીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. દેશની આટલી મોટી સિદ્ધિને કેટલાક દાયકા વીતી ગયા, કોઇ યાદ કરનારૂ નહતું. તમે મને તક આપી, અમારી સરકારે તે ઘટનાને અમર કરી દીધી."
વડાપ્રધાન મોદીએ ઇંટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ કહ્યું, "વિશ્વકર્મા જયંતીના દિવસે આજે એક ઔદ્યોગિક શરૂઆત થવાની છે. દેશના સૌથી મોટા ઇંટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ અહીં (ધાર)માં થયો છે. આ પાર્કથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઊર્જા મળશે અને ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળશે. આ ટેક્સટાઇલ પાર્કથી આપણા યુવકો, યુવતિઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. હું તે પરિયોજનાઓ માટે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું."








