ભારતીય ચૂંટણી પંચની કામગીરીની તપાસ માટે પૂર્વ CJIની અધ્યક્ષતામાં કમિટી રચવા સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India - ECI)ના કામકાજ અને તેની સંસ્થાગત ખામીઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે, જે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરે.
ધાર્મિક પ્રચાર અને હેટ સ્પીચ પર કડક પ્રતિબંધની માંગ
એડવોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ચૂંટણી પંચની સંસ્થાગત ખામીઓ જ નહીં, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન થતા ધાર્મિક અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ સામે પણ કડક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, ચૂંટણી પ્રચારમાં ધાર્મિક પ્રતીકો, ચિહ્નો કે ધાર્મિક ટેગ્સના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય. સાંપ્રદાયિક ઓળખ, કોમી અપીલ અને નફરત ફેલાવતા ભાષણો (હેટ સ્પીચ) સામે ચૂંટણી પંચ દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવે.
"કોઈ પક્ષ વિરુદ્ધ નહીં, ભવિષ્યના સુધારા માટે અરજી"
અરજદારે સ્પષ્ટતા કરી છે કે આ અરજી પાછળ કોઈ રાજકીય હેતુ નથી. આ પીટિશનનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે બિન-પક્ષીય (non-partisan) છે અને ભવિષ્યની ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. અરજદાર કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે હોદ્દેદાર સામે ચુકાદો માંગતા નથી કે કોઈ ચૂંટણી પરિણામને પડકારતા નથી, પરંતુ સંવિધાનિક સંસ્થા તરીકે ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે પ્રણાલીગત સુધારાની માંગ કરી રહ્યા છે.
ચૂંટણી સુધારાઓ અને લોકશાહી ઢાંચાને મજબૂત કરવાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ આ મહત્વપૂર્ણ અરજી પર શું વલણ અપનાવે છે તેના પર હવે સૌની નજર રહેશે.












