બદલાપુર પોલીસ સ્ટેશનના PI સહિતના લોકોને કર્યા સસ્પેન્ડ, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાશેઃ ફડણવીશ
મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની એક જાણીતી શાળામાં બે બાળકી પર યૌન શ

મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની એક જાણીતી શાળામાં બે બાળકી પર યૌન શોષણ થયાની ઘટના સામે આવી છે. જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બદલાપુરમાં બળાત્કારની ઘટના ખૂબ જ ગંભીર છે, હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે IG રેન્કના મહિલા અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરી છે. સરકાર આ કેસને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. જેથી પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળી શકે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થાણે પોલીસ કમિશનરને બદલાપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જેઓએ બદલાપુરની ઘટનામાં પ્રારંભિક તબક્કામાં કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને આ મુદ્દે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
જણાવી દઈએ કે, મોટી સંખ્યામાં લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર દેખાવ કરી રહ્યા છે, જેના કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે. આ મામલે પોલીસે આરોપી સફાઈકર્મી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. જ્યારે શાળાએ આરોપી સફાઈકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને પાંચ દિવસ માટે શાળા બંધ રાખવામાં આવી છે.
પોલીસે લાઠીચાર્જ કર્યો
બદલાપુરમાં રેલ્વે ટ્રેક પર પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી ખસેડવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
બદલાપુરની શાળામાં બાળકી પર યૌન શોષણ મામલે લોકો દ્વારા ભારે દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 10 મેલ એક્સપ્રેસ ટ્રેનોને કર્જત-પનવેલ-થાણે સ્ટેશનને રસ્તે ડાયવર્ટ કરવામાં આવી છે. CSMT અને અંબરનાથ વચ્ચે લોકલ સામાન્ય રીતે ચાલી રહી છે. બદલાપુરથી કર્જત સુધી સેવાઓ બંધ છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે.








