JEE Main 2027 માટે NTAનો મોટો નિર્ણય: NRI વિદ્યાર્થીઓ આધાર-PAN વગર માત્ર પાસપોર્ટથી કરી શકશે રજીસ્ટ્રેશન

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ JEE Main 2027 માટે અરજી કરી રહેલા NRI ઉમેદવારોને મોટી રાહત આપી છે. જે NRI વિદ્યાર્થીઓ પાસે ભારતના સામાન્ય ઓળખપત્રો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, તેઓ હવે માન્ય ઓળખ પુરાવા તરીકે પોતાના પાસપોર્ટનો ઉપયોગ કરી શકશે. જેમને ઓળખ દસ્તાવેજો બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાં NTAએ નિયમોમાં મોટી ફ્લેક્સિબિલિટી આપી છે. હવે NRI ઉમેદવારો રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન પોતાના પાસપોર્ટને માન્ય ઓળખ પુરાવા તરીકે વાપરી શકશે. એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક ઉમેદવારના સવાલનો જવાબ આપતી વખતે આ સ્પષ્ટતા કરી છે.
આ સ્પષ્ટતાની જરૂર કેમ પડી?
રજીસ્ટ્રેશન દરમિયાન ઘણા NRI વિદ્યાર્થીઓ સામે એવી સમસ્યા આવી રહી હતી કે, તેમની પાસે દેશમાં સામાન્ય રીતે વપરાતા ઓળખપત્રો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ ઉપલબ્ધ નહોતા. આવી સ્થિતિમાં તેઓ સમજી શકતા નહોતા કે ફોર્મ કેવી રીતે ભરવું. જ્યારે એક ઉમેદવારે NTAને આ વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈપણ મુશ્કેલી વિના પોતાના પાસપોર્ટનો ઉપયોગ કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
JEE Main 2027 સેશન 1: મહત્વની તારીખો અને શિડ્યુલ
જો તમે અથવા તમારું કોઈ પરિચિત આ પરીક્ષા માટે અરજી કરવાનું વિચારી રહ્યું છે, તો NTA દ્વારા બહાર પાડવામાં આવેલું આ સંપૂર્ણ શિડ્યુલ અવશ્ય ધ્યાનમાં રાખવું જરૂરી છે.
રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 24 ઓક્ટોબર 2026 થી અરજી પ્રક્રિયા ચાલુ છે.
લેટ ફી વગર અરજી કરવાની અંતિમ તારીખ: 22 નવેમ્બર 2026 સુધી કોઈપણ વધારાના શુલ્ક વગર ફોર્મ ભરી શકાશે.
લેટ ફી સાથે રજીસ્ટ્રેશન: 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2026 સુધી લેટ ફી સાથે અરજી કરવાની તક મળશે.
એપ્લિકેશન કરેક્શન વિન્ડો: 27 નવેમ્બરથી 29 નવેમ્બર 2026 સુધી ફોર્મમાં સુધારો કરી શકાશે.
પરીક્ષાની તારીખો: NTA દ્વારા JEE Main 2027 સેશન 1 નું આયોજન 20, 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરી 2027 ના રોજ કરવામાં આવશે.
ઉમેદવારો માટે વિશેષ સલાહ
NTAની અધિકૃત વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને ઉમેદવારોએ સમયસર પોતાનું રજીસ્ટ્રેશન પૂરું કરી લેવું. ફોર્મ ભરતી વખતે તમામ માહિતીઓ કાળજીપૂર્વક ચકાસી લેવી અને સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજની પ્રિન્ટઆઉટ કે પીડીએફ સુરક્ષિત પોતાની પાસે જરૂર રાખવી, જેથી ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલીથી બચી શકાય.











