Video: ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોના મોત!

ઓડિશાના ફૂલબાણીમાં કુદરતી આફતનો કહેર
ગિડાપાબલી ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોના મોત!
ઓડિશાના કંધમાલ જિલ્લાના ફૂલબાણી ખાતેથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ અહેવાલ સામે આવ્યો છે. અહીંના ગિડાપાબલી વિસ્તારમાં થયેલા ભયાનક ભૂસ્ખલનને કારણે સર્જાયેલી આપત્તિમાં પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સઘન બનાવવામાં આવ્યું છે. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો મળી આવ્યા છે, જેના કારણે આ ગંભીર દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને સાત પર પહોંચી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઘટના અંગે વિગતો આપતા કંધમાલના જિલ્લા કલેક્ટર વેદ ભૂષણે જણાવ્યું કે આજની રેસ્ક્યુ ઓપરેશનની કાર્યવાહી દરમિયાન પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં અરુણા પ્રધાન, ભૂમિકા પ્રધાન, વિજય પ્રધાન, બાગ્રી પ્રધાન અને વિજય લક્ષ્મી પ્રધાનનો સમાવેશ થાય છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને શોકગ્રસ્ત પરિવારજનોની ભાવનાઓ તથા સહમતિને માન આપીને પ્રશાસન દ્વારા સ્થળ પર જ તેમના અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બચાવ કામગીરી દરમિયાન મળી આવ્યા શવ!
અન્ય લોકોની શોધખોળ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે કામગીરી!
જિલ્લા પ્રશાસન દ્વારા આ દુખદ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યું કે આ કુદરતી આપત્તિના કપરા સમયમાં પ્રશાસન પરિવારની સાથે છે અને તેમને દરેક સંભવિત સહાય પૂરી પાડવામાં આવશે. આ સાથે જ રાહત અને બચાવ કાર્ય હજુ પણ અટક્યું નથી, પરંતુ તેને વધુ વેગ આપવામાં આવ્યો છે જેથી અન્ય લાપતા લોકોની ભાળ મેળવી શકાય. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા દળો અને પ્રશાસનિક ટીમો દ્વારા મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તમામ લાપતા લોકોની સચોટ માહિતી ન મળી જાય ત્યાં સુધી આ બચાવ અભિયાન ચાલુ રહેશે. કુદરતના આ પ્રકોપે એક જ પરિવારના માળાને ઉજડી નાખ્યો છે, જેણે સૌ કોઈની આંખો નમ કરી દીધી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી














