"કોઈ રોકી નહીં શકે...!" સંસદ સત્ર પહેલા PM મોદીનો વિપક્ષને ખુલ્લો પડકાર, મહિલા અનામત પર કરી દીધી મોટી જાહેરાત

"કોઈ રોકી નહીં શકે...!" સંસદ સત્ર પહેલા PM મોદીનો વિપક્ષને ખુલ્લો પડકાર, મહિલા અનામત પર કરી દીધી મોટી જાહેરાત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સંસદના આગામી વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કડક સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની નારી શક્તિના આશીર્વાદ તેમની સાથે છે અને મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણને દૂર કરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા લોકસભા અને 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા રાજ્યસભાના સત્રમાં મહિલા અનામત કાયદાના અમલીકરણ અને સીમાંકન સંબંધિત પ્રસ્તાવો પર નવેસરથી આગળ વધવાની તૈયારી કરી રહી છે.

"નારી શક્તિના 100% આશીર્વાદ અમારી સાથે"

વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મહિલા અનામત માટેની લડત દાયકાઓથી ચાલી રહી છે અને તેઓ પોતે પણ લાંબા સમયથી આ દિશામાં પ્રયાસરત છે. અનેક બહેનોએ પત્ર લખીને આ મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી છે. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, "હું જાણું છું કે દેશની સો ટકા નારી શક્તિના આશીર્વાદ અમારી સાથે છે. હું દેશની દરેક મહિલાને ખાતરી આપું છું કે અમે મહિલા અનામતના રસ્તામાં આવતા દરેક અવરોધને ખતમ કરીને જ રહીશું." વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે સરકારનો જુસ્સો બુલંદ છે અને ઈરાદો અડગ છે. મહિલા અનામતનો વિરોધ કરનારા પક્ષો સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસોને રોકી શકશે નહીં. અંતમાં તેમણે સૂચક અંદાજમાં કહ્યું કે, "હવે માત્ર સમયની રાહ છે."

જાહેરાત

શું છે સમગ્ર મામલો અને કેમ અટક્યો હતો અમલ?

સપ્ટેમ્બર 2023માં સંસદે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતો 'નારી શક્તિ વંદન અધિનિયમ' પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ અનામતનો અમલ આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારા સીમાંકન (Delimitation) સાથે જોડાયેલો હોવાથી તે તાત્કાલિક લાગુ થઈ શક્યો નહોતો. કાયદાને ઝડપથી લાગુ કરવા સરકારે એપ્રિલ 2026ના વિશેષ સત્રમાં બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું, પરંતુ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે તે પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. હવે 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં સરકાર ફરી એકવાર આ મુદ્દે આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે, જેના કારણે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત