Video: સંસદનું રૂપ બદલાઈ જશે! વિશેષ સત્ર પહેલા BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીનો મોટો ધડાકો, સીમાંકન બિલ પર કરી દીધો ખુલાસો

સંસદના આગામી વિશેષ સત્ર પહેલા દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન (Delimitation) બિલને લઈને સરકાર મોટા નિર્ણયો લેવા જઈ રહી છે.
"નારી શક્તિને 33% પ્રતિનિધિત્વ અપાવવા અમે કટિબદ્ધ"
મીડિયા સાથે વાતચીત કરતાં સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે સંસદમાં 'નારી શક્તિ'ને 33 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."
કેમ લાવવામાં આવી રહ્યું છે સીમાંકન બિલ?
સીમાંકન (Delimitation) બિલ પાછળનો સરકારનો હેતુ સ્પષ્ટ કરતાં BJP સાંસદે કહ્યું કે આજના સમયમાં ભારત દરેક મોરચે બદલાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું, "ભારત આજે આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈશ્વિક સ્તરે એક નવું રૂપ ધારણ કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે, બદલાતા ભારત સાથે સંસદે પણ હવે એક નવું રૂપ લેવાની જરૂર છે. આ જ કારણસર સીમાંકન બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે."
ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ના ઝડપી અમલીકરણ અને સીમાંકન પ્રક્રિયાને આગળ વધારવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ બિલ રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.











