Video: એક એવી જગ્યા જ્યાં ગાડી ન્યૂટ્રલમાં પણ આપોઆપ આગળ વધે

સોર્સ: gstv

વિશ્વમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે જેના રહસ્યો આજે પણ લોકોને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ચર્ચિત જગ્યા એટલે લદ્દાખનું મેગ્નેટિક હિલ  જેને ઘણા લોકો ભારતનું બરમુડા ટ્રાયંગલ પણ કહે છે. લદ્દાખ પોતાની સુંદર ખીણો, ઊંચા પહાડો અને અનોખા નજારા માટે દુનિયાભરમાં જાણીતું છે. મેગ્નેટિક હિલ લદ્દાખના લેહમાં આવેલી છે. આ જગ્યા લેહ-કારગિલ-બાલ્ટિક નેશનલ હાઈવે પર પડે છે અને સમુદ્ર સપાટીથી લગભગ ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ છે. આસપાસ ઊંચા હિમાલયના પહાડો અને સુંદર ખીણો છે, જ્યારે પૂર્વ ભાગમાં સિંધુ નદી વહે છે

અહીં રસ્તા પર ન્યુટ્રલમાં ઊભેલી ગાડી કોઈ ધક્કા વિના આપમેળે ઉપરની તરફ જતી દેખાય છે. . અહીં રસ્તા પર એક સફેદ રંગનું બોક્સ બનાવેલું છે. પ્રવાસીઓ આ નિશાનની અંદર ગાડી ઊભી રાખીને ન્યુટ્રલ કરે છે અને બ્રેક હટાવે છે, ત્યારે ગાડી ધીમે-ધીમે આગળ વધતી દેખાય છે અને એવું લાગે છે કે તે ઢાળ પર નીચે જવાને બદલે ઉપર ચઢી રહી છે. સવાલ એ છે કે આ અજીબોગરીબ ઘટના પાછળ કોઈ ચુંબકીય શક્તિ છે કે પછી કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું છે ?

જાહેરાત

આ ઘટનાને લઈને અનેક વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. ઘણા લોકો માને છે કે અહીં અત્યંત શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર છે જે ગાડીઓને પોતાની તરફ ખેંચે છે, તો એક માન્યતા એવી પણ છે કે આ જગ્યા આધ્યાત્મિક રીતે ખાસ છે અને અહીંથી ક્યારેક સ્વર્ગમાં જવાનો રસ્તો હતો. પરંતુ હકીકત એ છે કે આ પાછળ કોઈ કુદરતી ચુંબકીય શક્તિ નહીં, પણ 'ઓપ્ટિકલ ઇલ્યુઝન' એટલે કે આંખોનો ભ્રમ છે. આસપાસના પહાડો અને જમીનની રચનાને કારણે રસ્તાનો સાચો ઢાળ સમજાતો નથી. રસ્તો વાસ્તવમાં નીચેની તરફ હોય છે, પરંતુ આસપાસનું દ્રશ્ય એવું દેખાય છે કે જાણે તે ઉપર તરફ જઈ રહ્યો હોય, અને આ જ ભ્રમને કારણે ગાડી ઉપર ચઢતી દેખાય છે.

મેગ્નેટિક હિલ ફરવા જવા માટે સૌથી સારો સમય મે થી સપ્ટેમ્બર વચ્ચેનો માનવામાં આવે છે. આ જગ્યા લેહથી લગભગ સત્યાવીસથી ત્રીસ કિલોમીટર દૂર છે અને કાર કે બાઈક દ્વારા પહોંચવામાં આશરે પિસ્તાલીસથી પચ્ચાસ મિનિટ લાગે છે. અહીં આ અનોખા દ્રશ્યની સાથે-સાથે આસપાસના પહાડો અને ખીણોની સુંદરતાનો આનંદ પણ માણી શકાય છે. વિજ્ઞાનના તર્ક અને સ્થાનિક માન્યતાઓ વચ્ચે મેગ્નેટિક હિલ આજે પણ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત