'માનવી જીવી પણ ના શકે એવી હવાની હાલત છે દિલ્હીમાં, તબીબોનું ચોંકાવનારું વિશ્લેષણ

દિવાળીના તહેવાર બાદ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે તબીબોએ તેના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સરેરાશ 299 પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદની ચોક, તાલકટોરા ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં આ આંકડો 400ની નજીક પહોંચી ગયો છે. દિલ્હીના 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી ઓછામાં ઓછા 24 સ્ટેશનો પર AQI 300 થી વધુ એટલે કે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં અને 31 સ્ટેશનો 'ખરાબ' શ્રેણીમાં નોંધાયા છે. માત્ર કેન્ટ અને શ્રી અરબિંદો માર્ગ વિસ્તારની સ્થિતિ સામાન્ય છે, જ્યારે પૂસા વિસ્તારમાં સૌથી ખરાબ સ્થિતિમાં AQI 385 સુધી નોંધાયો છે.
300 કરોડના ફટાકડાનું ધૂમ વેચાણ થયું
બીજી તરફ, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દિલ્હીમાં દિવાળીના અવસરે અંદાજે ₹300 કરોડના ફટાકડાનું ધૂમ વેચાણ થયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડાના વેચાણમાં 30 ટકાનો મોટો વધારો નોંધાયો છે અને મોટાભાગની દુકાનોમાં તહેવારના એક દિવસ અગાઉ જ ફટાકડાનો તમામ સ્ટોક ખલાસ થઈ ગયો હતો. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના અહેવાલ મુજબ, 26 કેન્દ્રોમાંથી 19 કેન્દ્રો પર અગાઉના વર્ષની સરખામણીમાં અવાજનું પ્રદૂષણ પણ ઊંચા સ્તરે નોંધાયું હતું.
ઝેરી હવાની શરીરમાં ગંભીર અસરો દેખાશે
દિલ્હીની આ ભયાનક સ્થિતિ જોઈને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડૉક્ટર વિજય હદ્દાએ અત્યંત આઘાતજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, "જે AQI ક્યારેક ત્રણ અંકમાં હતો, તે હવે ચાર અંક સુધી પહોંચી ગયો છે. દુનિયાભરમાં ચર્ચા થાય છે કે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે, તો તે દિલ્હી છે. અહીં રહેનારાઓની જિંદગી જરાય સરળ નથી." ડૉ. હદ્દાએ ઉમેર્યું કે, "જો તમે આ ઝેરી ધુમાડો સતત અંદર ખેંચો છો, દર મિનિટે ઓછામાં ઓછી 20 વાર અને દરેક શ્વાસમાં અડધો લીટર હવા તો આખો દિવસમાં કેટલું ઝેર શરીરમાં જાતું હશે? મને તો નવાઈ લાગે છે કે આપણે જીવિત કેવી રીતે છીએ! મને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે આ ઝેરી હવાની શરીરમાં ગંભીર અસરો દેખાશે."
ડૉક્ટરે ચેતવણી આપતા જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેતી વખતે ભારેપણું અનુભવાતું હશે, ગળું હંમેશા સૂકું રહેતું હશે, નાક બંધ રહેતું હશે અને આંખોમાં બળતરાની સાથે પાણી આવતું હશે. આ તો પ્રાથમિક લક્ષણો છે, પરંતુ અસલી ખતરો લાંબા ગાળે શરીરના વિવિધ અંગો પર પડનારી ઝેરી ગેસની ગંભીર અસરોનો છે, જે આજે સ્પષ્ટ દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે.







