15 ડિસેમ્બર પહેલાં સંસદનું સત્ર બોલાવવાની તૈયારી, મહિલા અનામત અને સીમાંકન બિલ ફરી રજૂ થવાની શક્યતા

સંસદનું આગામી સત્ર 15 ડિસેમ્બર પહેલાં બોલાવવાની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી સંસદ સત્રની તૈયારીઓ અંગે મંત્રીઓને સૂચના આપી હતી. તેમણે તમામ મંત્રીઓને સત્ર માટે તૈયાર રહેવા અને 15 ડિસેમ્બર પહેલાં વિદેશ પ્રવાસ ટાળવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ સત્રની તારીખ અને સમયગાળો નક્કી કરશે.
વિશેષ સત્રની અટકળો તેજ બની
ખાસ વાત એ છે કે, સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ 103 દિવસ વીતી ગયા હોવા છતાં સત્તાવાર રીતે સત્રાવસાન કરવામાં આવ્યું નથી. શિયાળુ સત્ર બોલાવવામાં થઈ રહેલા વિલંબને લઈને વિપક્ષ સતત સરકારને સવાલો પૂછી રહ્યો છે. આ દરમિયાન વિશેષ સત્રની અટકળો પણ તેજ બની છે.
સીમાંકન બિલને ફરી રજૂ કરવામાં આવે તેવી શક્યતા
આગામી સત્રમાં મહિલા અનામત સાથે જોડાયેલા સીમાંકન બિલને ફરી રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, બિલ પસાર કરાવવા માટે સરકાર સામે સંખ્યાબળનો મોટો પડકાર છે. 543 સભ્યોની લોકસભામાં બંધારણીય સુધારા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે 361 સભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં ત્રણ બેઠકો ખાલી હોવાથી લોકસભામાં 540 સભ્યો છે. NDA પાસે 320 સભ્યોનું સંખ્યાબળ છે.
સરકારને વધુ સમર્થનની જરૂર પડી શકે
બીજી તરફ, એપ્રિલમાં બિલ પસાર ન થયા બાદ રાજકીય સમીકરણોમાં ફેરફાર થયો છે. તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોએ અલગ થઈને NCPIમાં વિલીનીકરણ કર્યું હોવાનું અને NDAને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું છે. જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના છ સાંસદ એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે. તેમ છતાં સરકારને વધુ સમર્થનની જરૂર પડી શકે છે.
આ ઉપરાંત વિપક્ષે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને વિરોધ તેજ કર્યો છે. પરિણામે આગામી સત્રમાં પણ હોબાળો થવાની શક્યતા છે.










