સબરીમાલા કેસમાં 18 ડિસેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની શક્યતા, જસ્ટિસ નાગરત્નાના સંકેતથી ચર્ચા તેજ

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિર સાથે જોડાયેલા ધાર્મિક સ્વતંત્રતાના મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો 18 ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બી.વી. નાગરત્નાએ સુનાવણી દરમિયાન આપેલા સંકેત બાદ આ મામલે ફરી ચર્ચા તેજ બની છે. ક્રિસમસની રજાઓ માટે કોર્ટ બંધ થાય તે પહેલાં નવ જજોની બંધારણીય બેન્ચ ચુકાદો આપી શકે છે. આ કેસમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને ધાર્મિક સંસ્થાઓના વ્યવસ્થાપન સાથે જોડાયેલા સાત મહત્વપૂર્ણ કાનૂની પ્રશ્નો પર નિર્ણય થવાનો છે. જસ્ટિસ નાગરત્નાએ કેરળના નાનાયા (કનાયા) કેથોલિક સમુદાય સાથે જોડાયેલા એક અલગ કેસની સુનાવણી દરમિયાન સબરીમાલા કેસના ચુકાદા અંગે આ સંકેત આપ્યો હતો. તે કેસમાં સમુદાયની પરંપરા મુજબ લગ્ન ન કરનારા સભ્યોને સમુદાયમાંથી બહાર કરવાની પ્રથાને પડકારવામાં આવી છે.
2018ના ચુકાદાથી શરૂ થયો હતો વિવાદ
સબરીમાલા કેસની શરૂઆત સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના ચુકાદાથી થઈ હતી. ત્યારે કોર્ટે તમામ વયની મહિલાઓને કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી માસિક ધર્મની વયજૂથની મહિલાઓના પ્રવેશ પર લાગુ પરંપરાગત પ્રતિબંધ દૂર થયો હતો. નવેમ્બર 2019માં પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ વિવાદનો અંતિમ નિર્ણય આપવાને બદલે ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા સાત મોટા પ્રશ્નો મોટી બંધારણીય બેન્ચને સોંપ્યા હતા.
નવ જજોની બેન્ચમાં કોણ-કોણ સામેલ?
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ જજોની બંધારણીય બેન્ચે કરી હતી. તેમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ના બી. વરાળે, આર. મહાદેવન અને જોયમાલ્યા બાગચીનો સમાવેશ થાય છે.
ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના અધિકારનો પ્રશ્ન
કેસમાં બંધારણની કલમ 25 અને 26 વચ્ચેના સંબંધની વ્યાખ્યા મહત્વપૂર્ણ છે. કલમ 25 દરેક વ્યક્તિને અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપે છે, જ્યારે કલમ 26 ધાર્મિક સંસ્થાઓને ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા આપે છે. આ અધિકારોનો બંધારણની કલમ 14માં સમાવિષ્ટ સમાનતાના અધિકાર સાથે કેવો સંબંધ છે તે પણ બેન્ચ નક્કી કરશે. નવ જજોની બેન્ચે આ કેસમાં કુલ 16 દિવસ સુધી સુનાવણી કરી હતી અને 14 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે 18 ડિસેમ્બર સુધીમાં ચુકાદો આવે છે કે નહીં તેના પર દેશભરની નજર રહેશે.












