તિરુપરંકુન્દ્રમ મંદિરના દીપક વિવાદમાં કલેક્ટરે સુપ્રીમ કોર્ટની માફી માગી, ટ્રસ્ટ બોર્ડ પર ઠીકરું ફોડ્યું

તિરુપરંકુન્દ્રમ મંદિરના દીપક વિવાદમાં કલેક્ટરે સુપ્રીમ કોર્ટની માફી માગી, ટ્રસ્ટ બોર્ડ પર ઠીકરું ફોડ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરંકુન્દ્રમ પહાડી પર કાર્તિકાઈ દીપમ ઉત્સવ દરમિયાન વિવાદિત પથ્થરના સ્તંભ (દીપથૂન) પર દીવો પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન થતાં મામલો વધુ ગરમાયો છે. મદુરાઈના જિલ્લા કલેક્ટર નિશાંત કૃષ્ણાએ બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આદેશનો અમલ ન કરી શકવા બદલ નિઃશર્ત માફી માગી હતી. જોકે, તેમણે દીવો પ્રગટાવવામાં વિલંબ માટે મંદિરના ટ્રસ્ટ બોર્ડને જવાબદાર ઠેરવ્યું હતું. કલેક્ટરે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “દીપથૂન પર દીવો પ્રગટાવી શકાયો નથી તે બદલ હું નિષ્ઠાપૂર્વક માફી માગું છું.” તેમણે દાવો કર્યો હતો કે 21થી 24 નવેમ્બર દરમિયાન જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશના પાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી હતી. જોકે, દીપથૂન પર દીવો પ્રગટાવવા માટે ટીમને મંજૂરી આપવાની જવાબદારી મંદિરના દેવસ્થાનમ બોર્ડની હતી.

ટ્રસ્ટ બોર્ડે પરંપરાગત સ્થળે દીવો પ્રગટાવ્યો

કલેક્ટરના જણાવ્યા અનુસાર, 24 નવેમ્બરે ટ્રસ્ટ બોર્ડે ઠરાવ પસાર કરીને દીવો પરંપરાગત સ્થળ એટલે કે દીપા મંડપમમાં જ પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો. કલેક્ટરે જણાવ્યું કે બોર્ડે દીપથૂન પર દીવો પ્રગટાવવા માટે કોઈ વ્યક્તિ કે ટીમને અધિકૃત કરી હોવાની જાણ તેમને કરી નહોતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બપોરે 3.47 વાગ્યે પણ તેમણે દેવસ્થાનમના કાર્યકારી અધિકારીને ઈ-મેઇલ કરીને દીવો પ્રગટાવનારી ટીમનાં નામોને તાત્કાલિક મંજૂરી આપવા યાદ અપાવી હતી. જોકે, રાત્રે 8.30 વાગ્યે પરંપરાગત સ્થળે દીવો પ્રગટાવ્યા બાદ જ તેમને બોર્ડના નિર્ણયની જાણ થઈ હતી.

જાહેરાત

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આપી હતી મંજૂરી

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વી.એમ. પંચોલીની બેન્ચે 20 નવેમ્બરે કાર્તિકાઈ દીપમના દિવસે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી માત્ર એક વખત અને મર્યાદિત વ્યવસ્થા તરીકે આપવામાં આવી હતી. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે તાત્કાલિક સ્વતઃ સંજ્ઞાન લઈને કન્ટેમ્પ્ટ કાર્યવાહી (Contempt Proceedings) શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ મામલે દાખલ અરજીઓ અને અવમાનનાની અરજીઓ પર એક-બે દિવસમાં સુનાવણી કરવાની વાત કરી હતી.

મંદિરની વર્ષો જૂની પરંપરા જાળવવાનો બોર્ડનો દાવો

બીજી તરફ, મંદિરના ટ્રસ્ટ બોર્ડે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે દીવો મુખ્ય દેવતાની ઉપર આવેલા દીપા મંડપમમાં જ પ્રગટાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના જણાવ્યા અનુસાર, મંદિરની વર્ષો જૂની ધાર્મિક પરંપરા, વિધિ-વિધાન અને આગમ નિયમોનું જતન કરવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદનું કેન્દ્ર દીવો ક્યાં અને કોના દ્વારા પ્રગટાવવો તે મુદ્દો છે. દાયકાઓથી દીવો પહાડીના નીચાણવાળા ભાગમાં આવેલા દીપા મંડપમમાં પ્રગટાવવામાં આવે છે. જોકે, કેટલાક હિન્દુ સંગઠનોએ પહાડી પર આવેલા પ્રાચીન પથ્થરના સ્તંભ દીપથૂન પર દીવો પ્રગટાવવાની માગ કરી હતી. આ સ્તંભ હઝરત સુલતાન સિકંદર બાદુશા ઔલિયા દરગાહથી આશરે 50 મીટરના અંતરે આવેલો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત