Video: "અમે ભિખારી નથી"! : ઉમેદવારોની જાહેરાતથી સપા પર ભડક્યા કોંગ્રેસ સાંસદ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં બેઠક વહેંચણીને લઈને નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ અને કોંગ્રેસને કથિત રીતે ૨૬ બેઠકો આપવાની ચર્ચા પર કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે આકરી પ્રતિક્રિયા આપી છે. મસૂદે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ તેમની સમજની બહાર છે અને આ અંગે અંતિમ નિર્ણય પાર્ટીએ જ લેવો પડશે. તેમણે તીખા શબ્દોમાં સવાલ ઉઠાવતા કહ્યું કે શું તેઓ ભિખારી છે ? અને શું તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે કે માંગણી કર્યા વિના જ ૨૬ બેઠકોની જાહેરાત કરી દેવામાં આવે. મસૂદે કહ્યું કે જો કામ કરવાની રીત શરતો થોપવાની હોય, તો તેમના જેવા સ્વાભિમાની વ્યક્તિને આ વાતો સમજાતી નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અંગે વાટાઘાટો શરૂ થઈ હતી. માહિતી મુજબ, સપાના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવે કોંગ્રેસને ૨૬ બેઠકોની યાદી આપવાની વાત કરી હતી. ત્યારબાદ મંગળવારે સપા પ્રમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે જીતવાલાયક ૨૬ બેઠકોથી શરૂઆત થઈ છે અને સાથે મળીને સમજદારીથી વાત આગળ વધશે.
સૂત્રોના મુજબકોંગ્રેસને આપવામાં આવનારી આ ૨૬ બેઠકોમાં રામપુર ખાસ, મથુરા, આગ્રા ઉત્તર, વારાણસી કેન્ટ, ગોરખપુર શહેર, જેવર, બાગપત અને હાપુડ જેવી બેઠકો સામેલ છે. આ તમામ બેઠકો અગાઉ સોશિયલ મીડિયા પર ફરતી થયેલી તે કથિત ૫૪ બેઠકોની યાદીનો પણ ભાગ હતી, જે સપા દ્વારા કોંગ્રેસને સોંપવામાં આવી હોવાની વાત કહેવાઈ રહી હતી. હાલ, ગઠબંધનમાં આગળની રણનીતિ પર સૌની નજર ટકેલી છે.












