મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નીતિશ કુમાર જ હશે બિહારના નવા મુખ્યમંત્રી, ભાજપના નેતાઓએ કરી દીધી સ્પષ્ટતા

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે

નીતિશ કુમાર જ હશે બિહારના નવા મુખ્યમંત્રી, ભાજપના નેતાઓએ કરી દીધી સ્પષ્ટતા

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નીતિશ કુમાર મંત્રીમંડળની અંતિમ બેઠક સોમવારે પૂર્ણ થઈ. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને મળીને હાલની વિધાનસભા ભંગ કરવાની ભલામણ સાથે રાજીનામું આપ્યું છે.પટણામાં ગઠબંધન સહયોગી દળોના નેતાઓએ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે. એવા દાવાઓ થતા હતા કે ચૂંટણી પછી આ વખતે બિહારના મુખ્યમંત્રીનો નવો ચહેરો જોવા મળી શકે છે. પરંતુ ભાજપના નેતાઓએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે, નીતિશ કુમાર જ નવી સરકારમાં બિહારના મુખ્યમંત્રી બનશે.

નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા તારકિશોર પ્રસાદે જણાવ્યું હતું કે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મંગળવારે મળશે, ત્યારબાદ એનડીએ વિધાનસભા પક્ષની બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને નેતા તરીકે ચૂંટવામાં આવશે. તારકિશોર પ્રસાદે સ્પષ્ટપણે કહ્યું છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. તેમાં કોઈ વિવાદ નથી. અને પક્ષનું નેતૃત્વ બધા નિર્ણયો લેશે. શપથવિધિ સમારોહ ભવ્ય રહેશે.

દિલીપ જયસ્વાલે પણ ખુલાસો કર્યો

બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, ભાજપ ધારાસભ્ય દળની આવતીકાલે- મંગળવારે સવારે 10 વાગ્યે અટલ સભાગૃહમાં  બેઠક મળશે, જ્યાં ભાજપના ચૂંટાયેલા સભ્યો પોતાના નેતાની પસંદગી કરશે. કેન્દ્રમાંથી પર્યવેક્ષક પણ આવશે. એ પછી NDA બેઠક યોજાશે,જેમાં સર્વાનુમતે નેતાની પસંદગી થશે. એ પછી રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો કરવામાં આવશે. 21 તારીખ સુધીમાં નવી સરકારની રચના પ્રક્રિયા પૂર્ણ થશે. દિલીપ જયસ્વાલે દાવો કર્યો હતો કે નીતિશ કુમાર જ નવી સરકારના મુખ્યમંત્રી બનશે.

શપથવિધિ સમારોહ ક્યારે થશે?

સૂત્રોના જણાવ્યા મુજબ બિહારમાં નવી સરકારનો શપથવિધિ સમારોહ 20 નવેમ્બરે થશે. મુખ્યમંત્રી શપથ ગ્રહણને લઈને ગાંધી મેદાનમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. શપથવિધિ સમારોહની તૈયારી માટે ગાંધી મેદાન જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી શકે છે.

આ સમાચાર શેર કરો