આધાર કાર્ડને લઈને આવશે નવો નિયમ! સુરક્ષા માટે સરકાર કરશે મોટા ફેરફાર
આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અ

આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે.
આ બદલાવનો મુખ્ય હેતુ છે કે, કાગળ પર આધાર કાર્ડની કૉપી રાખવાથી પ્રાઈવસીનું જોખમ ઊભું થાય છે અને તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ડિજિટલ વેરિફિકેશન જ ફરજિયાત
UIDAIના સીઈઓ ભૂવનેશ કુમારે જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઓફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગે છે, તે તમામે હવે UIDAIમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ફક્ત ડિજિટલ માધ્યમોથી જ ગ્રાહકનું વેરિફિકેશન કરવું પડશે.
નવા નિયમ મુજબ પેપર-આધારિત વેરિફિકેશનને અટકાવવા માટે અને આધાર ડેટાના દુરુપયોગની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડવા માટે હોટેલ્સ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળોએ હવે સુરક્ષિત API(એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા QR કોડ સ્કેનિંગ અથવા UIDAIની નવી એપ-આધારિત વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.
UIDAIની નવી એપ્લિકેશન
UIDAI એક નવી એપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની મુખ્ય વિશેષતા 'એપ-ટુ-એપ' વેરિફિકેશનની સુવિધા આપવાની છે. આ ઓફલાઇન સુવિધાને કારણે, આધાર કાર્ડના વેરિફિકેશન માટે દરેક વખતે સેન્ટ્રલ સર્વર સાથે લાઇવ કનેક્શનની જરૂર નહીં પડે. જેથી આ ઓફલાઈન સુવિધાનો મોટો ફાયદો એ થશે કે એરપોર્ટ, રિટેલ આઉટલેટ્સ કે ઇવેન્ટ સ્થળો જેવા નેટવર્કની સમસ્યાવાળા વિસ્તારોમાં પણ આધાર કાર્ડનું ચેકિંગ હવે સરળતાથી કરી શકાશે.
આ મોડેલ યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવશે
નવી સિસ્ટમની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે. હાલમાં, ઇન્ટરમીડિયેટ સર્વર સિસ્ટમ પરની ટેકનિકલ સમસ્યાઓના કારણે આધાર વેરિફિકેશન વારંવાર અટકી જાય છે, પરંતુ QR અને એપ-આધારિત ઓફલાઇન વેરિફિકેશન દ્વારા આ મુશ્કેલી દૂર થશે. આ મોડેલ યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવશે અને પેપર કૉપી લીક થવાના જોખમને સંપૂર્ણપણે નાબૂદ કરશે, તેમ UIDAI સ્પષ્ટ કરે છે. વધુમાં, આ સંપૂર્ણ વ્યવસ્થા આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થનારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ(Digital Personal Data Protection Act) સાથે પણ સુસંગત છે.








