NEET-UG 2026 રદ: પેપર લીકની આશંકા બાદ શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય, CBIને તપાસના આદેશ

ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં 'ગેસ પેપર' લીક થયાના પુરાવા મળતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ કઠોર નિર્ણય લીધો છે. હવે આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવી છે.
CBI તપાસનો પણ આદેશ
NTAના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષાની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા અને ગરિમા જાળવી રાખવા માટે આ પરિણામોને માન્ય રાખવા શક્ય નહોતા. એજન્સીનો દાવો છે કે જો આ તબક્કે નિર્ણય ન લેવાયો હોત, તો ભવિષ્યમાં સિસ્ટમ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જાત. સરકારે સમગ્ર મામલે તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- CBIને કેસ સોંપ્યો છે. આ તપાસમાં મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરાશે કે પરીક્ષા પહેલા 'ગેસ પેપર' કેવી રીતે વાઈરલ થયું અને તેની પાછળ કયું સંગઠિત માફિયા જૂથ કામ કરી રહ્યું છે.
ફરી પરીક્ષા ક્યારે? વિદ્યાર્થીઓએ શું કરવું?
NTA એ પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે મહત્વની રાહત એ છે કે:
- કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં.
- વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં.
- નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ આપવામાં આવશે.
પેપર કેવી રીતે લીક થયું?
રાજસ્થાનમાં આ મામલે અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લીક થયેલું 'ગેસ પેપર' કોઈ પ્રિન્ટિંગ પ્રેસ માંથી બહાર આવ્યું હોઈ શકે છે.

