ભારત સેક્યુલર દેશ છે...’ દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા મુદ્દે BMCને બોમ્બે હાઇકોર્ટની ફટકાર

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પ્રદૂષણ મુક્ત દિવાળીના અભિયાન માટે બનાવવામાં આવેલા જાગૃતિ વીડિયોમાંથી બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક એડ હટાવી દેવાના મામલે બોમ્બે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈના મેયર રીતુ તાવડે અને ભાજપના નેતા અમિત સાટમએ દિયા મિર્ઝાની એડ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે બીએમસીએ કોઈ પણ ખુલાસા વગર આ વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરી દીધો હતો.
બીએમસીનું પ્રદૂષણ મુક્ત દિવાળી અભિયાન
બીએમસીએ દિવાળી દરમિયાન ફટાકડાથી થતા હવા અને અવાજના પ્રદૂષણને રોકવા માટે દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણે જેવા સેલેબ્રિટીઝ સાથે વીડિયો તૈયાર કર્યા હતા. પરંતુ ભાજપ નેતા અમિત સાટમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અમારે દિવાળી કેવી રીતે ઉજવવી તે શિખવાની જરૂર નથી, અમારી પરંપરાઓ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.' તેમની આ ટિપ્પણી બાદ બીએમસીએ દિયા મિર્ઝાનો વીડિયો ડિલીટ કરી દીધો હતો. મેયર રીતુ તાવડેએ પણ આ નિર્ણયનું સમર્થન કરતાં દિયા મિર્ઝા પર હિન્દુત્વ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, 'પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પછી તે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો હોય, આપણે બધા એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. બીએમસીએ ખૂબ સારું કામ કર્યું હતું. ભારત એક સેક્યુલર દેશ છે અને સેલેબ્રિટીઝે એકતાનો સંદેશ આપ્યો હતો. આવી ગંભીર બાબતોમાં રાજકારણ કે જૂથબંધીને કોઈ સ્થાન ન હોવું જોઈએ.' કોર્ટે કોઈપણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે આવી ટિપ્પણીઓથી સમાજની એકતા અને સંતુલન બગડવું ન જોઈએ.
દિયા મિર્ઝા અને વિપક્ષનો વળતો પ્રહાર
પોતાનો પક્ષ રાખતા અભિનેત્રી દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, 'હાઈકોર્ટના નિર્દેશ અને બીએમસીના જાહેર હિતના અભિયાન હેઠળ બનાવેલા વીડિયો સામે કોઈને કેમ વાંધો હોઈ શકે? હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે અને તેને ઘટાડવાના તમામ પ્રયાસોને બિરદાવવા જોઈએ.'બીજી તરફ, વિપક્ષી નેતાઓએ બીએમસી પર રાજકીય દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે પર્યાવરણના નામે માત્ર હિન્દુ તહેવારોને જ લક્ષ્ય બનાવવામાં આવે છે.












