ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો: ગુજરાતના નાવિકનું કરૂણ મોત, ઓમાન કોસ્ટ ગાર્ડે 13 ભારતીયોને ઉગાર્યા

ઓમાનના દરિયાઈ કિનારા નજીક એક ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ભારતીય નાવિકોમાંથી ગુજરાતના વતની ગંધાર નહીમ અઝીઝ નામના નાવિકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે.
ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા 13 નાવિકોનો બચાવ
હુમલાની ઘટના બનતાની સાથે જ ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા ત્વરિત કામગીરી કરીને જહાજમાંથી બાકીના 13 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે, જેથી બચેલા તમામ 13 નાવિકોને જરૂરી સહાય પૂરી પાડી શકાય અને મૃતક નાવિકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત લાવી શકાય.
પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં ભારતીય નાવિકો પર વધતું જોખમ
પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર વધી રહેલા તણાવના કારણે વેપારી જહાજો પરના હુમલામાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર, આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 22 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 14 નાવિકો દરિયાઈ જહાજો પર કાર્યરત હતા. વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કામ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અને સુરક્ષિત જળપરિવહનને અટકાવતા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.




