VIDEO: EVENING BULLETIN / ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો, હવે નવા મતદારો માટે નિયમ બદલાયો, સ્કોર્પિયોમાં વૃદ્ધાએ કર્યા ખતરનાક સ્ટંટ!
ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ

ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલો
ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજ ‘GFS ગેલેક્સી’ પર મોટો હુમલો થયો છે. જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક હજુ ગુમ છે. ભારત સરકારે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ ગુમ નાગરિક માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
ટેક્સ બચાવવા નેતન્યાહૂના દીકરાએ નામ બદલ્યું!
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના પુત્ર યાયર નેતન્યાહૂ ફરી વિવાદોમાં છે. ટેક્સ ચોરી કરવા માટે તેણે પોતાનું સત્તાવાર નામ બદલીને 'યોનાતન હુન' કરી લીધું હોવાનો દાવો કરાયો છે. વર્ષ 2026ના ટેક્સ ફાઇલિંગના લીક થયેલા સરકારી ડેટામાંથી આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
નવા મતદારો માટે નિયમ બદલાયો, SIR વિગતો ફરજિયાત
હવે નવા મતદારોની નોંધણી માટે ચૂંટણી પંચે નિયમો કડક કર્યા છે. નવા ફોર્મ-6 મુજબ વોટર લિસ્ટમાં નામ ઉમેરાવતી વખતે પાછલા SIR દરમિયાન માતા-પિતા કે દાદા-દાદીનું નામ યાદીમાં હતું કે નહીં તેની વિગત આપવી પડશે. હાલમાં આ ફેરફાર માત્ર ઓનલાઇન ફોર્મ સબમિશનમાં જ લાગુ કરવામાં આવ્યો છે.
રામ મંદિરમાં કેમેરો ચૂકવી દાનની ચોરીનું આયોજનબદ્ધ પ્લાનિંગ!
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી કેસમાં આરોપીઓની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે. સેવકો સવારે ડ્યુટી પર જતાં પહેલાં જ ફોન પર ચોરીનું આખું પ્લાનિંગ કરી લેતા હતા. નોટો સેરવવાથી લઈને સીસીટીવી કેમેરાના ફોકસ સામે કોણ ઊભું રહેશે, તે બધું જ સંગઠિત રીતે પહેલેથી નક્કી કરવામાં આવતું હતું.
AIADMK ના 10 ધારાસભ્યો આપશે રાજીનામું
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVK ના ઓપરેશન એલ અંતર્ગત AIADMKના 10 જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો રાજીનામું આપવાની તૈયારીમાં છે. બહુમતી સાબિત કરવા માટે આ તમામ ધારાસભ્યો 15 ઓગસ્ટ પહેલાં સત્તાવાર રીતે શાસક પક્ષમાં જોડાઈ શકે છે.
રાજકોટમાં સ્કોર્પિયો પર વૃદ્ધાના ખતરનાક સ્ટંટ!
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વૃદ્ધ બા કાળા રંગની સ્કોર્પિયો કાર પર અત્યંત જોખમી રીતે બેસીને સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે યુવાનોના સ્ટંટ સામે આવતા હોય છે, પરંતુ આ કિસ્સાએ ચકચાર મચાવી છે.
કીર્તિ પટેલ સામે ફરિયાદ
સુરતનું પુણા પોલીસ સ્ટેશન ફરી ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ભાવનગરના એક વેપારીએ બદનક્ષી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. આ બંનેએ વેપારીના પરિવારનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ કરી પોલીસ સ્ટેશન બહાર ભારે હંગામો મચાવ્યો હતો.
પાટણમાં ઝાપટપુરા સરકારી ચોપડે બન્યું ઇસ્લામપુરા!
પાટણના હારીજમાં સરકારી દસ્તાવેજોમાં કથિત ફેરફારથી મોટો વિવાદ છેડાયો છે. અહીંના 'ઝાપટપુરા' વિસ્તારના નાગરિકોના રેશનકાર્ડમાં નામ બદલીને 'ઇસ્લામપુરા' થઈ જતાં તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોમાં અસમંજસ વચ્ચે હવે તપાસ થઈ રહી છે કે આ કોઈ કર્મચારીની ભૂલ છે કે કોઈ મોટું ષડયંત્ર."








