Video: EVENING BULLETIN / અફઘાનિસ્તાનમાં સ્કૂલ પાસે ભીષણ વિસ્ફોટ, સત્તા માટે નેતન્યાહૂનો રોટેશન દાવ, સીમાંકન બિલ મુદ્દે પીએમ મોદીનું મોટું નિવેદન

અફઘાનિસ્તાનમાં સ્કૂલ પાસે ભીષણ વિસ્ફોટ
અફઘાનિસ્તાનના પૂર્વીય કુનાર પ્રાંતમાં એક માધ્યમિક સ્કૂલ પાસે સવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 6 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 97 બાળકો ઘાયલ થયા છે. ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. બચાવ કામગીરી સાથે તપાસ પણ તેજ કરાઈ છે.
સત્તા માટે નેતન્યાહૂનો રોટેશન દાવ
ઈઝરાયલમાં સરકાર રચવાની રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હરીફ ગાદી આઈઝનકોટને રોટેશનના આધારે વડાપ્રધાન પદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલ છે. આ ફોર્મ્યુલા મુજબ બંને નેતાઓ વારાફરતી વડાપ્રધાન બની શકે છે, જેમાં નેતન્યાહૂ બીજા તબક્કામાં પદ સંભાળવા તૈયાર હોવાનું કહેવાય છે.
સીમાંકન બિલ મુદ્દે પીએમ મોદીનું મોટું નિવેદન
સંસદના વિશેષ સત્ર પહેલાં PM નરેન્દ્ર મોદીએ મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે નારી શક્તિના આશીર્વાદ તેમની સાથે છે અને મહિલા અનામતના માર્ગની દરેક અડચણ દૂર કરાશે. 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક પહેલાં સીમાંકન અને મહિલા અનામત મુદ્દે હિલચાલ તેજ બની છે.
ઉમરાળામાં મૃત્યુ મામલે આવેદનપત્ર
ઉમરાળાના પીપરાળી ગામના પથુભા ગોહિલના ભાવનગર જેલમાં થયેલા મૃત્યુ મામલે પરિવાર અને ક્ષત્રિય રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. 1.85 કરોડની ખંડણી અને ખોટા કેસોના આક્ષેપો વચ્ચે જવાબદારો સામે ગુનો નોંધી SIT તપાસ અને નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરાઈ છે.
વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે ઘર્ષણ
રાજકોટના જેતપુરના પીઠડીયા ગામે 66 કે.વી. વીજ લાઈનના કંડક્ટર બદલવાની કામગીરી દરમિયાન ખેડૂતો અને તંત્ર વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે. 60 વર્ષથી વીજ લાઈનનું વળતર ન મળ્યું હોવા છતાં પૂર્વ જાણ વગર કામગીરી શરૂ કરાઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંગદિલી સર્જાઈ હતી.









