Video: NEWS AFTERNOON / સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દુર્ઘટના, સંસદના વિશેષ સત્રમાં રજૂ થશે સીમાંકન બિલ, બાળક પર દીપડાનો હુમલો

સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દુર્ઘટના
સ્પેનના કેનરી આઇલેન્ડ નજીક 100 પ્રવાસીઓથી ભરેલી બોટમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એલ હિએરો દ્વીપ પાસે બનેલી આ ઘટનામાં ગંભીર હાલતમાં 6 લોકોને હેલિકોપ્ટરથી હોસ્પિટલ ખસેડાયા છે. સ્પેનની સામાન્ય ચૂંટણીના થોડા દિવસ પહેલા જ બનેલી આ ઘટનાથી ઇમિગ્રેશનનો મુદ્દો ફરી ગરમાયો છે.
સંસદના વિશેષ સત્રમાં રજૂ થશે સીમાંકન બિલ
30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર 'સીમાંકન બિલ 2026' રજૂ કરશે. આ ડ્રાફ્ટ મુજબ દરેક રાજ્યની લોકસભા અને વિધાનસભા બેઠકોમાં 50 ટકાનો વધારો કરાશે, જેથી 2029 પહેલા 33 ટકા મહિલા અનામત લાગુ કરી શકાય. બિલ પસાર થતા જ ત્રણ સભ્યોનું સીમાંકન પંચ રચાશે.
ભાજપના મહિલા મંત્રીના નિવેદનથી વિવાદ
ઉત્તર પ્રદેશના મંત્રી બેબી રાની મૌર્યએ પીએમ આવાસ યોજનાના કાગળો બનાવવા લેવાતા અઢી હજાર રૂપિયાને ભ્રષ્ટાચાર માનવાનો ઈનકાર કરતા વિવાદ છેડાયો છે. હાથરસના રમનપુરમાં ચૌપાલ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. જોકે, આ મામલે FIR નોંધાઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગેરકાયદે રેતી ખનન સામે હલ્લાબોલ
રાણીયામાં ગૌચર જમીન બચાવવા અને ગેરકાયદે રેતી ખનન સામે સરપંચ અને ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે. ઓવરલોડ ટ્રક અટકાવાતા ચાલકે રસ્તા વચ્ચે જ રેતી ઠાલવી દીધી હતી. સરપંચે કડક કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે હાલ ખાણ-ખનિજ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
બાળક પર દીપડાનો હુમલો
ભાવનગરના તળાજા તાલુકાના પરતાપરા ગામમાં આઠ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા તેને સારવાર અર્થે સદવિસાર હોસ્પિટલ ખસેડાયો છે. દીપડો હાલ ભગુડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે, ત્યારે વન વિભાગ દીપડાને વહેલી તકે પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે.










